રખડતાં ઢોરનો રોડ પર કબજો:ગોધરામાં રખડતાં ઢોરનો આતંક યથાવત; વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયાં

પંચમહાલ (ગોધરા)એક મહિનો પહેલા

ગોધરા શહેરમાં આવેલા લાલબાગ બસ સ્ટેન્ડ વિસ્તાર, બામરોલી રોડ, દાહોદ રોડ, ભૂરાવાવ વિસ્તાર, અમદાવાદ હાઈવે, લુણાવાડા રોડના મુખ્ય માર્ગ ઉપર ઢોરોના ત્રાસ ખૂબ જ વધ્યા છે. સ્થાનિક રહીશો અને અવરજવર કરતા રાહદારીઓ અને વાહનચાલકોને ઢોરોના અડિંગો ભારે માથાના દુઃખાવા સમાન બની છે. ગોધરા શહેરમાં રસ્તા પર તાલુકા પોલીસ સ્ટેશનની સામે જ આવેલ રેલીંગોને અડીને આખલા, બળદ સહિત અન્ય ઢોરનો જમાવડો જોવા મળી રહ્યો છે. તેના કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ઢોરોએ રસ્તા પાસે અડિંગો જમાવી દીધો છે. ત્યારે ટ્રાફિકજામની પરિસ્થિતિ ઉભી થાય છે. તો બીજી તરફ વાહનચાલકોને અડફેટે લઇ અકસ્માતના બનાવો પણ બને છે. તે પરિસ્થિતિને નકારી શકાય તેમ નથી. વધુમાં અહીં એસટી બસ સ્ટેશન આવેલું હોવાથી મુસાફરોની અવરજવર વધારે રહે છે.

ગોધરા શહેરમાં પણ ઢોરની સમસ્યા ઉઠવા પામી છે. ત્યારે વડોદરા, સુરત, અમદાવાદ, રાજકોટ, પાટણ જેવા મોટા શહેરોમાં પણ રસ્તે રખડતાં ઢોરના કારણે મોત થયાની ઘટનાઓ બની રહી છે. ત્યારે ગોધરા શહેરના મધ્યસ્થમાં વચોવચ ઢોરોનું અડિંગો જમાવીને બેસી રહેતું હોય છે, તો આ વિસ્તારમાં ટ્રાફિક ભરચક હોવાને કારણે ઘણીવાર અકસ્માતોની સમસ્યા પણ નકારી શકાય તેમ નથી. દાહોદ રોડ અને બામરોલી રોડ ઉપર રસ્તે અલમસ્ત અવસ્થામાં ફરતા ઢોરોનું ટોળું જોઈને વાહનચાલકોએ પોતાના વાહનને બ્રેક મારવાની ફરજ પડી રહી છે. ગોધરા શહેરમાં ભુતકાળમાં પણ ગાયએ 2 વ્યક્તિઓને શિંગડા ભરાવી હુમલો કરતાં મોત નીપજ્યાંના બનાવો બન્યા છે. ત્યારે ગોધરા નગરપાલિકા શું હજી આવા ગંભીર હોનારતોની રાહ જોઈ રહી છે. આવા ઢોરોને ક્યારે પકડીને પુરશે?? અને તેમના માલિકો વિરૂદ્ધ ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તેવી લોકોની માગ ઉઠવા પામી છે.

નોંધનીય છે કે માત્ર ગોધરા શહેરમાં જ નહીં પણ ગુજરાતના નાના મોટા અનેક શહેરોમાં આ રીતે રસ્તે રખડતાં ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટે સરકારને આ મામલે પગલાં લેવા ટકોર કરી છે. કારણ કે આ રસ્તે રઝળતા ઢોરોના કારણે લોકોના મોત થયા છે. ગોધરા શહેરમાં પણ આવી અકસ્માતની ઘટના બની છે. સાથે સાથે જિલ્લામાં અન્ય તાલુકા મથકો હાલોલ, શહેરા, કલોલમાં પણ આ રીતે રસ્તે રઝળતા ઢોરોના ત્રાસથી સામાન્ય જનતા પરેશાન જોવા મળી રહી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ મામલે સ્થાનિક તંત્ર શુ પગલા લે છે.?

અન્ય સમાચારો પણ છે...