આત્મહત્યા:પુત્ર મોહમાં અંધ બનેલા સાસરીયાના ત્રાસથી કંટાળી પરિણીતાનો ગળાફાંસો

હાલોલ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાલોલ તાલુકાના નાનકડાં નાની ઉભરવણ ગામે બનેલી ઘટના
  • યુવતીની માતાએ પાવાગઢ પોલીસ મથકે સાસરીના 4 સામે ફરિયાદ નોંધાવી

કાનોડ ગામે રહેતા વખતસિંહ ભગવાનસિંહ ચૌહાણની દીકરી દિપીકાબેનના લગ્ન વર્ષ 2019માં હાલોલ તાલુકાના નાની ઉભરવણ ગામે રહેતા વિજયભાઈ તખતભાઈ પરમાર સાથે જ્ઞાતિના રીતિ રિવાજ મુજબ થયા હતા. જેમાં દિપીકાબેને વર્ષ 2021માં એક પુત્રી મિષ્ટિને જન્મ આપ્યો હતો. જેમાં જન્મના છ માસ બાદ મિષ્ટિનું દુઃખદ અવસાન થયું હતું. જેને લઈને દિપીકાબેનના પતિ વિજયભાઈ અને સાસુ લીલાબેને તેમજ જેઠ અર્જુનભાઈ તથા જેઠાણી રમીલાબેન તરફથી દીપિકાબેનને મહેણાં ટોણા મારી માનસિક ત્રાસ આપવાનો શરૂ થયો હતો. જેમાં પતિ વિજય ચઢામણીમાં આવી મારઝૂડ કરતો હતો.

જ્યારે સાસુ સહિત અલગ રહેતા જેઠ, જેઠાણી દ્વારા પણ દિપીકાબેનને મહેણાં ટોણાં મારી ત્રાસ આપવામાં આવતો હતો. જેમાં પુત્રના મોહમાં અંધ બનેલા પતિ, સાસુ, જેઠ તથા જેઠાણી દ્વારા દીપિકાબેનને તું મરી કેમ નથી જતી તેમ કહી માનસિક ત્રાસ આપતા હતા. જેથી શારીરિક માનસિક ત્રાસથી કંટાળી દિપીકાબેને રવિવારે બપોરે નાની ઉભરવણ ગામે સાસરીમાં ઘરમાં કોઇ હાજર નહોતું ત્યારે સાડી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ખોબલા જેવડા ગામમાં ચકચાર મચી જવા પામી છે.

બનાવ અંગે દીપીકાબેનના માતા પાર્વતીબેન વખતસિંહ ચૌહાણે દીપિકાના પતિ વિજયભાઈ, સાસુ લીલાબેન ,જેઠ અર્જુનભાઈ અને જેઠાણી રમીલાબેન સામે પાવાગઢ પોલીસ મથકે દિપીકાને મેણા-ટોણા મારી આત્મહત્યા કરવાની દુષ્પ્રેરણા આપવા બાબતની ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય વ્યક્તિઓ સામે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...