પંચમહાલ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી પવન ફુકાતા વાતાવરણમાં પલટો અાવતાં ગરમીમાં રાહત મળી હતી. મંગળવારની સવારે અચાનક વરસાદી છાટાં જિલ્લામાં પડતાં ઠંડ પ્રસરી ગઇ હતી. જો કે બપોર બાદ બફારો થતા લોકો પરેશાન થઇ ગયા હતા. હાલ જિલ્લામાં પ્રિમોન્સુનની કામગીરી શરૂ કરવામાં અાવી છે. ત્યારે સવારે વરસાદી માહોલ થતાં ખેડૂતો ચિતિંત બન્યા હતા. ગોધરા સહિત જિલ્લામાં વરસાદી છાટાં પડીને વરસાદ બંધ થઇ જતાં વાતાવરણમાં ગરમીનું પ્રમાણ ધટયું હતું.
બપોર બાદ ભારે બફારો થતા લોકો પરેશાન થઇ ગયા હતા. જયારે કાલોલના અડાદરા ગામે સવારે જોરદાર વરસાદી ઝાપટું પડતાં ગામના રોડ પાણીથી ભિજાયા હતા. જયારે ખેતીવાડી વિભાગ દ્વારા વરસાદી છાટાંથી ખેતીને કોઇ પણ પ્રકારનું નુકસાન થયું ન હોવાનું જણાવેલ છે.
દાહોદ જિલ્લામાં ધાનપુર તાલુકામાં સવારના સમયે એકાએક વાતાવરણ બદલાતા પાંચેક ગામોમાં વરસાદી ઝાપટા પડતાં લોકોને ગરમીમાંથી થોડીક રાહત મળી હતી. ભરપુર વનરાજી હોવા છતાં ધાનપુર તાલુકામાં અસહ્ય ગરમી અને બફારો અનુભવાયો રહ્યો હતો.
એટલું જ નહીં પરંતુ પવન પણ પુરગતિએ વહેવાનું શરૂ થયું છે પરંતુ બપોરના સમયે તે પણ અંગ દઝાડે તેવો અનુભવાતો હતો. મંગળવારની સવારે ધાનપુર તાલુકાના વાતાવરણમાં એકાએક ફેરફાર આવતાં વાદળોની ફોજ આકાશમાં ઉતરી આવી હતી.
તાલુકાના બોગડવા, રામપુર, જંબુસર, વેડ સહિતના ગામોમાં વરસાદી ઝાપટાં પડતા ગરમીમાં થોડીક રાહત અનુભવાઇ હતી. ઉલ્લેખનિય છે કે જિલ્લામાં મંગળવારે પણ વૈશાખી વાયરા વાયા હતા તે છતાય ગરમીની પકડ મજબુત જોવા મળી હતી. જોકે વરસાદ બંધ થતાં જ વિસ્તરમાં બફારાનું સામ્રાજ્ય છવાતાં પુન: ગરમીએ જોર પકડ્યુ હતું.
વરસાદના આગમનના પગલે કેરીને નુકસાન
વર્તમાન વર્ષે ગરમીએ તમામ રેકોર્ડૈ બ્રેક કરી દીધા છે. વધુ પડતી ગરમીના કારણે આ વખતે વરસાદ સારો હોવાની આશા ખેડૂતો રાખી રહ્યા છે. તો સાથે સાથે વર્તમાન વર્ષમાં કેરીનો પાક પણ ગત વર્ષની સરખામણીમાં ઓછો રહ્યો છે. જોકે હજુ પણ ખેડૂતોએ પોતાના આંબાવાડીમાં કેરી ઉતારી ન હતી. પરંતુ છેલ્લા ચાર દિવસથી અચાનક પલટાયેલા વાતાવરણના કારણે કેરી ખરી પડતા ખેડૂતોએ કેરી ઉતારી હતી. જોકે વરસાદના આગમન થતાં જ આંબાપરની કેરીને નુકસાનીનો ભય રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.