પંચમહાલ જિલ્લાના ઘોઘંબા એસ એચ વરીયા હાઇસ્કુલ સામે ગાયત્રીનગર ખાતે ઘોઘંબા, હાલોલ, કાલોલ, જાંબુઘોડા, દાહોદ અને છોટા ઉદેપુર તાલુકાના રાઠવા સમાજનું મહા સંમેલન ઘોઘંબા ખાતે રાખવામાં આવ્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં રાઠવા સમાજના દરેક પક્ષના રાજકીય આગેવાનો, સરકારી કર્મચારીઓ, સાધુ-સંતો અને સમાજના ઉચ્ચ વ્યવસાયિકો, તમામ સરપંચો, યુવાનો અને વડીલો, ભાઈઓ તેમજ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.
પંચમહાલ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અને આજના સંમેલનના અધ્યક્ષ રમેશ રાઠવાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આજના મહા સંમેલનમાં મોડેલ સ્કૂલ ધનેશ્વરની બાળકીઓએ સ્વાગત ગીત રજૂ કર્યા બાદ મહાનાયક બિરસા મુંડાની પ્રતિમાનું પૂજન અને દીપ પ્રાગટ્ય સાથે સંમેલનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં સમાજના આગેવાન અને આજના સંમેલનના ઉપાધ્યક્ષ કલસીંગ રાઠવા, ઘોઘંબા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ છેલ્લુ રાઠવા, ભારત રાઠવા, શિક્ષક ભીમસિંગ રાઠવા તથા સમાજની ઉચ્ચ અભ્યાસ તથા હોદ્દો ધરાવતી બહેનોએ સંમેલનને સંબોધન કર્યું હતું.
જેમાં ઘણા સમયથી સમાજમાં ચાલતા કુરીવાજો, સામાજિક વ્યવહારો અને આ અંગે ચાલતા મત મતાંતરોના કારણે ગામમાં, ફળિયામાં અને સમાજમાં ઉભા થતાં નાના મોટા ઝઘડા તથા કુસંપને દૂર કરવા માટે તેમજ સમાજમાંથી ખોટી કુપ્રથા અને કુરિવાજોને નાબૂદ કરવા માટે આવાહન કર્યું હતું.
શિક્ષણમાં યોગદાન આપવા પણ જણાવાયું હતું. સાથે વિકાસ અને સમાજની એકતામાં પોતાનું યોગદાન આપે તે માટે પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. નાના ઝઘડાઓના નિકાલ માટે ગ્રામ સમિતીની રચના કરી નિયમોની પત્રીકા પણ લાવવામાં આવી હતી અને સંમેલનનું સમાપન કરાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.