લમ્પી વાયરસનો પગપેસારો:ગોધરા શહેરમાં 15 જેટલા ગૌવંશ લમ્પી વાયરસની ઝપેટમાં આવ્યા, તંત્રે સતર્ક બની ગૌશાળાઓમાં રસીકરણની કામગીરી તેજ કરી

પંચમહાલ (ગોધરા)14 દિવસ પહેલા
  • 150 જેટલા ગૌવંશને આજે સાંજ સુધી રસીકરણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો

પંચમહાલ જિલ્લામાં આવેલ ગોધરાના પાંજરાપોળ ટ્રસ્ટ ખાતે ગૌશાળામાં પશુપાલન વિભાગ દ્વારા લમ્પી વાયરસથી ગૌવંશને બચાવવા માટે રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લાઓમાં લમ્પી વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે છેલ્લા એક અઠવાડિયાથી લમ્પી વાયરસના રોગે પગપેસારો કર્યો છે. જેના કારણે પશુપાલકો ચિંતામાં પડી ગયા છે અને આજ સવાર સુધી 15 જેટલા પશુઓ આ રોગની ઝપેટમાં આવ્યા છે. જેના કારણે પશુપાલન વિભાગ દ્વારા સતર્કતા ભાગરૂપે અલગ અલગ જગ્યાએ સર્વેલન્સ ટીમ અને રસીકરણની કામગીરી ચાલુ કરવામાં આવી છે. જેના કારણે આજે પશુપાલન વિભાગ દ્વારા ગોધરાના પાંજરાપોળ ટ્રસ્ટ ખાતે આવેલી ગૌશાળામાં ગૌવંશના રસીકરણ કામગીરી શરૂ કરાઈ હતી.

આજે 150 ગૌવંશને રસીકરણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો
પંચમહાલ જિલ્લામાં આવેલ ગોધરા શહેર ખાતે લમ્પી વાયરસનો ઉપદ્રવ દિવસે દિવસે વધી રહ્યો છે. આ ઉપદ્રવથી ગૌવંશને બચાવવા માટે અત્યાર સુધી 102 ગૌવંશને રસીકરણ કરવામાં આવી છે જ્યારે આજરોજ પશુપાલન વિભાગ દ્વારા 150 જેટલા ગૌવંશને સાંજ સુધી રસીકરણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

15 જેટલા ગૌવંશ લમ્પી વાયરસની ઝપેટમાં આવ્યા
અત્યાર સુધી ગોધરા શહેરમાં 15 જેટલા ગૌવંશ લમ્પી વાયરસની ઝપેટમાં આવ્યા છે. જેના કારણે પશુપાલન વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે સતર્ક બની રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ જ્યાં સર્વેલન્સ ટીમની કામગીરીમાં આ રોગ જોવા મળશે તો તાત્કાલીક પશુપાલન વિભાગની ટીમ ત્યાં પહોંચી રસીકરણની કામગીરી હાથ ધરશે તેવુ પશુપાલન વિભાગના ડૉ. એન એમ ગોસાઈએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...