રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના સશક્તીકરણ માટે અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ જ દિશામાં વધુ એક નક્કર કદમ ભરી નારી સંરક્ષણ અને સન્માન માટે “નારી વંદન ઉત્સવ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ 1 ઓગસ્ટથી સાત ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં “નારી વંદન ઉત્સવ”ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ યોજના અંતર્ગત આજરોજ પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત ત્રિમંદીર, ભામૈયા ખાતે “મહિલા સ્વાવલંબન દિવસ”ની રાજ્યકક્ષાની ઉજવણી કરાઈ હતી.
મહિલાઓ માટે સરકારે વિવિધ યોજનાઓ વિકસાવી
આજના આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ કુ.કામિનીબેન સોલંકીએ પોતાના ઉદ્દ્બોધનમાં જણાવ્યું હતું કે જિલ્લાની આશાવર્કર બહેનોની મહેનત થકી સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના વ્યક્તિઓ સુધી પહોંચ્યો છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશની મહિલાઓને વિવિધ ક્ષેત્રે વિશેષ સ્થાન મળ્યું છે. આજે સરકારની વિવિધ યોજનાઓ પૈકી 178 યોજનાઓ ફક્ત મહિલાઓ માટે ચાલે છે. તેમણે દીકરીઓને ભણતરની સાથે ગણતર અને આત્મનિર્ભર બનવા જણાવ્યું હતું. આ પ્રસંગે વિવિધ મહાનુભાવોના હસ્તે ઉપસ્થિત લાભાર્થી બહેનોને વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત મંજુરી હુકમો એનાયત કરાયા હતા. એમ.એમ.વાય યોજનાના લાભાર્થી બહેનોને અનાજ કીટ તથા ઔદ્યોગીક ક્ષેત્રે અગ્રેસર મહિલાઓનું સ્ટેજ પરથી ટ્રોફી આપીને સન્માનપત્ર એનાયત કરાયા હતા.
મહિલાઓના આરોગ્ય માટે કેમ્પ પણ યોજાયો
આજના આ પ્રસંગે જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા બહેનોના લાભ અર્થે કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં આરોગ્યવિભાગ દ્વારા રસીકરણની સુવિધા,સ્ક્રિનિંગની સુવિધા,રાષ્ટ્રીય મેલેરીયા,રકતપિત્ત અને ક્ષય નિવારણ કેમ્પ પણ ઉભો કરાયો હતો. હેલ્થ એન્ડ વેલનેસ તથા આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાની સુવિધા કરાઈ હતી. સખી વન સ્ટોપ સેન્ટર, બહેનોને આપાતકાલીન સેવા, કાયદાકીય સેવા, પોલીસ સહાય, તબીબી સહાય, સામાજીક સમસ્યામાં પરામર્શ બાબતે માહિતગાર કરાયા હતા.
800થી વધુ ખાલી જગ્યા માટે મહિલાઓના ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યાં
મહીલાઓ આત્મનિર્ભર બને રોજગારી પ્રાપ્ત કરે તે આશયથી શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અને જીલ્લા રોજગાર કચેરી ગોધરા દ્વારા કલસ્ટર મેગા જોબફેરનુ આયોજન કર્યુ હતું જેમાં પંચમહાલ અને આજુબાજુ જીલ્લાના 10થી વધુ એમ્પલોયર હાજર રહ્યા હતા. જેઓ દ્વારા 800થી વધુ ખાલી જગ્યા માટે આજે ઈન્ટરવ્યુ કરીને પ્રાથમીક પસંદગી માટેની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.