ગોધરા કાંડના જઘન્ય કૃત્યના ઉગ્ર પ્રત્યાઘાતોમાં ગુજરાતમાં ફાટી નીકળેલા કોમી રમખાણોમાં બહુચર્ચિત એવા કાલોલના ગોમા નદીના પટમાં 17 જેટલા લઘુમતી કોમના ઇસમોને મોતને ઘાટ ઉતારવાના ગુન્હામાં હાલોલ સ્થિત એડિશનલ સેશન્સ કોર્ટ સમક્ષ હાથ ધરાયેલી કાયદાકીય દલીલોની સુનાવણીના અંતે 21 વર્ષ બાદ હાલોલના ચોથા એડિશનલ સેશન્સ જજ હર્ષ બાલક્રિષ્ણ ત્રિવેદીએ આ ચકચાર ભર્યા ગુન્હામાં 8 મૃતકો સહિત 22 આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો હતો.
27 ફેબ્રુઆરી 2002 ના રોજ ગોધરા રેલવે સ્ટેશન ખાતે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના એસ-6 કોચ ઉપર કરાયેલા જીવલેણ હુમલાના આ ગોધરા કાંડના જઘન્ય કૃત્યમાં અયોધ્યાથી પરત આવી રહેલા 59 કાર સેવકો જીવતા ભડથું થઈ ગયા હતા. ગોધરા કાંડની આ ઘટના સામેના ઉગ્ર પ્રત્યાઘાતોના કોમી રમખાણોમાં તત્કાલીન સમયે ગુજરાત ભડકે બળ્યું હતું. એમાં કાલોલના બહુચર્ચિત એવા ગોમા નદીના પટમાંથી જીવ બચાવવા માટે ભાગેલા 17 જેટલા લઘુમતી કોમના પુરુષો, મહિલાઓ અને બાળકોને મોતને ઘાટ ઉતારવાના બનાવમાં કાલોલ પોલીસ તંત્રએ ગુન્હો નોંધીને 22 આરોપીઓની ધરપકડ કરી હતી.
હાલોલ સ્થિત એડિશનલ સેશન્સ અદાલત સમક્ષ હાથ ધરાવામાં આવેલી કાયદાકીય દલીલોમાં અદાલત સમક્ષ 84 મૌખિક પુરાવાઓ અને 177 જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. આ કાયદાકીય દલીલોની સુનાવણીઓના અંતે 21 વર્ષ બાદ હાલોલના ચોથા એડિશનલ સેશન્સ જજ હર્ષ બાલક્રિષ્ણ ત્રિવેદીએ 8 મૃતકો સહિત 22 આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ ફરમાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય રહે કે આરોપીઓ તરફે ગોધરાના સિનિયર એડવોકેટ ગોપાલસિંહ સોલંકી અને વિજય પાઠકે કાયદાકીય દલીલો કરી હતી.
નિર્દોષ જાહેર થયેલા આરોપીઓની યાદી
(1) મુકેશ ભાઈ રાઠોડ (2)જોગાભાઇ લુહાર (મરણ) (3)બુધાભાઈ કેશરીસિંહ રાઠોડ (મરણ), (4)ઝાલા તલાટી (મરણ) (5)અશોકભાઈ સી પટેલ (6)દિલીપભાઈ ભટ્ટ (7) નીરવકુમાર જી પટેલ (8) અક્ષય શાહ (9)પ્રદીપભાઈ ગોહિલ (મરણ) (10) દિલીપભાઈ ગોહિલ (11) કિરીટભાઈ જોશી (12) જીતેન્દ્રભાઈ શાહ (મરણ) (13) કિલ્લોભાઈ જાની (14) નસીબદાર બી રાઠોડ (15) અલ્કેશ મુખયાજી (16) એસ.કુમાર (મરણ) (17) પ્રકાશભાઈ શાહ (મરણ) (18) નરેન્દ્રભાઈ કાછીયા (19) જેણાભાઇ રાઠોડ (20) સુરેશભાઈ પટેલ (21)યોગેશભાઈ પટેલ (22)ડાહ્યાભાઈ પટેલ (મરણ)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.