વિસર્જન કરવા ગયેલો યુવક તળાવમાં ડૂબ્યો:ગોધરા તાલુકાના અંબાલી ગામે ગણપતિ વિસર્જન કરવા ગયેલો યુવાન પાણીમાં ગરકાવ; પરિવારમાં માતમ છવાયો

પંચમહાલ (ગોધરા)એક મહિનો પહેલા

ગઈકાલે સોમવારે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર સહિત તાલુકામાં ગણેશ વિસર્જનને લઈને શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને વિધિવત રીતે ગણપતિબાપાનું વિસર્જન કરવામાં આવી રહ્યું હતું. ત્યારે ગોધરા તાલુકાના અંબાલી ગામે એક યુવાન પોતાની ગણપતિની મૂર્તિ લઈને અંબાલી ગામમાં આવેલ તળાવમાં વિસર્જન કરી રહ્યો હતો, ત્યારે અચાનક પાણીમાં ડૂબી જવાથી તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. કલાકોની જહેમત બાદ તરવૈયાઓની મદદથી ઊંડા તળાવમાં ડૂબી ગયેલા યુવાનનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. બનાવની જાણ તાલુકા પોલીસને થતાં પોલીસે અકસ્માતનો બનાવ નોંધી યુવકનો મૃતદેહ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. જ્યારે આ બનાવની જાણ યુવકના પરિવારજનોને થતાં મોતનું માતમ છવાઈ ગયું હતું.

અચાનક પાણીમાં ડૂબી જવાથી યુવકનું મોત
આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર ગઈકાલે ગણેશ વિસર્જનને લઈને ગોધરા તાલુકાના અંબાલી ગામના ગ્રામજનો ગણપતિ બાપાની પ્રતિમાનું વિસર્જન કરી રહ્યા હતા. ત્યારે તે ગામમાં રહેતા 40 વર્ષીય મહેન્દ્રભાઈ બારીયા નામનો યુવક ગણપતિ બાપાની મૂર્તિ લઈને વિસર્જન કરવા માટે ગામમાં આવેલા તળાવે ગયો હતો. ત્યારે અચાનક મહેન્દ્રભાઈ બારીયા તળાવમાં ડૂબી જવાથી આજુબાજુમાં વિસર્જન કરી રહેલા લોકો દોડી આવ્યા હતા. પરંતુ મહેન્દ્રભાઈ બારીયાનો પત્તો ન મળતા પરિવારના લોકો પણ ગભરાઈ ગયા હતા અને કલાકોની જહેમત બાદ તરવૈયાઓની મદદથી મોડી સાંજે મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.

યુવકના પરિવારજનોને જાણ થતાં મોતનું માતમ છવાયું
યુવકના મોતને પગલે પરિવારજનોમાં મોતનું માતમ છવાઈ ગયું હતું અને તેઓ આક્રંદ સાથે વલોપાત કરતા જોવા મળ્યા હતા. આ બનાવની જાણ તાલુકા પોલીસને થતાં તેમને ઘટનાસ્થળે દોડી આવી મહેન્દ્રભાઈ બારીયાના મૃતદેહનો કબજો મેળવી અકસ્માતનો બનાવ નોંધી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...