મન હોય તો માળવે જવાય પંક્તિને સાર્થક કરતા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ઉજડા ગામના પ્રગતિશીલ ખેડૂત હિતેશ પટેલ કે જેઓએ પોતાના 15 વીઘા જમીનમાં વર્ષ 2020માં બાગાયતી ખાતાની સહાય અને માર્ગદર્શન થકી 3000 દાડમના છોડવાનું વાવેતર કરીને ખેતીમાં સરકારની યોજનાઓનો લાભ મેળવી આર્થિક ઉન્નતીની કેડી કંડારી છે. આ સાથે તેઓ પંચમહાલ જિલ્લાના અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાસ્ત્રોત બન્યા છે. ચાલુ વર્ષ 2023માં તેમના ખેતરમાં દાડમનો પાક ઝૂમી રહ્યો છે. હિતેશભાઈ જણાવે છે કે, વર્ષો પહેલા તેમણે બનાસકાંઠા જિલ્લા ખાતે દાડમની આધુનિક ખેતી જોઈને પોતે મનમાં નક્કી કર્યું હતું કે, મારે પણ આ પદ્ધતિથી મારા ખેતરમાં દાડમની ખેતી કરવી છે. આ માટે તેમણે જિલ્લા બાગાયત વિભાગનો સંપર્ક કરીને જરૂરી માર્ગદર્શન મેળવીને તે દિશામાં નક્કર યોજના બનાવી, કામગીરી હાથ ધરી હતી. તેના પછી તેઓએ વર્ષ 2020માં આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતેથી 3000 ભગવાસિંદુરી જાતના દાડમના રોપા લઈ આવીને પોતાના 15 વીઘા જમીનમાં વાવેતર કર્યું હતું.
વધુમાં તેઓ જણાવે છે કે, આ વાવેતર પાછળ તેમને અંદાજીત 4 લાખનો ખર્ચ થયો હતો. જેમાં જિલ્લા બાગાયત વિભાગના સહયોગથી સરકારની ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાકો સહાય યોજના હેઠળ 55 ટકા સહાય અંતર્ગત 70 હજાર રૂપિયાની સહાય મેળવી હતી. આ સાથે તેમણે ટ્રેક્ટર ઓપરેટ દવા છાંટવાના પંપમાં પણ રૂ. 50 હજારની સહાય મેળવી હતી. તેમના ખેતરમાંથી ચાલુ વર્ષે અંદાજીત 10 ટન જેટલું દાડમનું ઉત્પાદન મળશે. જેમાં તેઓ ચાર લાખના ખર્ચ સામે અંદાજીત રૂ. 20 લાખની આવક મેળવશે. તેમના ખેતરમાં દાડમના 1 છોડ પર 15થી 20 કિલો દાડમનું ઉત્પાદન મળશે તેવી આશા છે. અત્યારે તેમના 15 વિઘા જમીન પર દાડમનો પાક લહેરાઈ રહ્યો છે. વધુમાં તેમણે બાગાયત અધિકારી ચંદનભાઈ પટેલીયાના માર્ગદર્શન હેઠળ દાડમના વાવેતર પછી આંતરપાક તરીકે કપાસ અને તમાકુનું વાવેતર કરીને પણ ઉત્પાદન મેળવ્યું હતું. જેમાં 150 મણ તમાકુ તથા 200 મણ કપાસનું ઉત્પાદન મેળવીને આર્થિક ઉપાર્જન કર્યુ હતું.
તેઓ આ દાડમની વૈજ્ઞાનિક પદ્ધતિથી કરેલી ખેતીમાં યોગ્ય માવજતમાં છાણીયું ખાતર, ઉધઇ માટેની ટ્રીટમેન્ટ અને લીક્વીડ સ્વરૂપે રાસાયણીક ખાતર ટપક પદ્ધતિ દ્વારા આપે છે. તેમજ સિંચાઈ પણ ટપક પદ્ધતિથી દ્વારા અપાય છે. તેમણે દાડમના છોડનું કટિંગ ત્રણથી ચાર વખત કર્યુ છે. મારી આ દાડમની ખેતી જોવા આસપાસ ગામોના ખેડૂતો મુલાકાત લઇ તેઓ પણ આ બાગાયતી ખેતી અપનાવવા પ્રેરાયા છે. આમ રાજ્યસરકાર દ્વારા રાજ્યના ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળે અને આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરે તે માટે વિવિધ બાગાયતી પાકોની સહાય અને સઘન પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. જેના ફળ સ્વરૂપે ખેડુતો બાગાયતી ખેતી તરફ વળીને આર્થિક રીતે સમૃદ્ધ બન્યા છે.
પંચમહાલ જિલ્લા નાયબ બાગાયત નિયામકના જણાવ્યા અનુસાર ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાકો માટે સહાય યોજના અંતર્ગત ખર્ચના 40 ટકા મહત્તમ રૂ. 40હજાર પ્રતિ હેકટર જેમાં રાજ્ય સરકારની વધારાની 15 ટકા પુરક સહાય મળીને કુલ એક હેક્ટર માટે 55 ટકા સહાય મળવાપાત્ર થાય છે. જે ત્રણ હફ્તા 60:20:20માં પાકવાર નક્કી કરેલા ખર્ચની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. આ સહાય ફક્ત વાવેતર માટે જ આપવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.