પર્યુષણ પર્વના અંતે ભવ્ય શોભાયાત્રા યોજાઈ:ગોધરામાં બે વર્ષના કોરોનાકાળ બાદ ઉપવાસી તપસ્વીઓની શોભાયાત્રા નીકળી; મોટી સંખ્યામાં જૈન સંપ્રદાયના લોકો જોડાયા

પંચમહાલ (ગોધરા)એક મહિનો પહેલા

ગોધરાના જૈન સમાજ દ્વારા બે વર્ષના કોરોનાકાળ બાદ ઉપવાસી તપસ્વીઓની શોભાયાત્રા નીકળતાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો. જેમાં મોટી સંખ્યામાં જૈન સંપ્રદાયના લોકો જોડાયા હતા. જૈન સમાજમાં પયુષણ પર્વને પવિત્ર માનવામાં આવે છે. અનુયાયીઓ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રોમો યોજીને આરાધના કરવામાં આવે છે. જેમાં ગોધરા શહેરના જુદા જુદા વિસ્તારમાં રહેતા જૈન સમાજના 30 લોકોએ 6 દિનથી લઇને 36 દિવસ સુધીના ઉપવાસ કર્યા હતા. જેમાં દિવસભર ગરમ પાણી પીને ઉપવાસ કર્યા હતા. કઠોર આરાધના બાદ ભગવાનની પૂજા-અર્ચના કરી હતી.

તપસ્વીઓની શોભાયાત્રા નીકળતાં ઉત્સાહનો માહોલ સર્જાયો
સંવત્સરીની ઉજવણી બાદ ગુરૂવારે સિદ્ધ તપ અને મહાતપસ્વીઓ દ્વારા પારણા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બપોરના સમયે જૈન દેરાસરમાં તપસ્વીઓ એકત્રિત થયા હતા. જ્યાં શણગારેલા વાહનોમાં તપસ્વીઓને બિરાજમાન કરીને માર્ગો ઉપર વાજતે ગાજતે સામૂહિક સિધ્ધિતપ મહાતપના પારણાં કરાવીને શોભાયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં જૈન સંપ્રદાયના લોકો જોડાયા હતા. શોભાયાત્રાનું અન્ય સમાજના આગેવાનો દ્વારા સ્વાગત કરાયું હતું.

સામૂહિક સિધ્ધિતપ મહાતપના પારણાં કરાવીને શોભાયાત્રા નીકળી
ગોધરા શહેરના વિવિધ માર્ગો પર ગોધરા શહેર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. પર્યુષણ પર્વના સમાપન પ્રસંગે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દસ દિવસ પહેલાં પ્રારંભ થતાં પર્યુષણ પર્વનું સમાપન થાય છે. પર્યુષણ પર્વ દરમિયાન જૈન સંપ્રદાય દ્વારા પ્રભુની વિશેષ ભક્તિ અને ઉપાસના કરવામાં આવે છે અને વિવિધ ઉપવાસના તપસ્વીઓ દ્વારા પારણાં કરવામાં આવે છે. ત્યારે ગોધરા શહેરમાં નીકળેલી શોભાયાત્રામાં તપસ્વીઓ પણ જોડાયા હતા. ગોધરા શહેરમાં શાંતિનાથજી જૈન દેરાસર ખાતેથી શરૂ થયેલી શોભાયાત્રા શાકમાર્કેટ, પિમ્પૂટકર ચોક, રણછોડજી મંદિર, રામસાગર તળાવ, અંબિકા ચોક અને શરાફ બજાર થઈને પરત શાંતિનાથજી દેરાસર ફરી હતી, જ્યાં શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...