આજકાલ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવવાના ઘણા બનાવો બને છે. જેમાં લોકો આગળ પાછળ વિચાર્યા વગર સીધો નિર્ણય કરી લેતા હોય છે. અમુક કિસ્સા તો એવા પણ હોય છે કે જેમાં માતા પિતાએ આખી જિંદગી સંતાનો માટે મહેનત કરી હોય અને તેમના દીકરા-દીકરી કંઈક એવું કરી બેસે જેનાથી માં-બાપ જ્યાં સુધી જીવે ત્યાં સુધી વિચારતા હોય કે મારા ઉછેરમાં શું ખોટ રહી ગઈ?. એવો જ એક બનાવ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં બનવા પામ્યો છે. જ્યાં મોરડુંગરા ખાતે રહેતી અને મોરવા હડફ તાલુકાના સંતરોડ ગામના શિવ શક્તિ સોસાયટી ખાતે આજથી ત્રણ દિવસ પહેલા લગ્ન કરેલી પરિણીતાએ પોતાના સાસરીમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. હાલ મોરવા હડફ પોલીસે ગુનો દાખલ કરીને વધારે તપાસ હાથધરી છે.
દીકરીના સમાચાર પિયર વાળાઓને થતા જ એમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. હજી તો બેજ દિવસ પહેલા ધામધૂમથી દીકરીને પરણાવી સાસરે મોકલી હતી. જ્યારે આણું તેડવા જવાનું થયું તો એવા સમાચાર આવ્યા કે માતા પિતા તો સાવ ભાંગીજ પડ્યા. તો આવો...જાણીએ સમગ્ર હકીકત વિશે...
દીકરીના લગ્નની તૈયારીઓ કરતા હતા
ગોધરા તાલુકાના મોરડુંગરામાં નવી વસાહત ડેઝર ફળિયામાં રહેતા અરવિંદભાઈ નાનજીભાઈ જાલૈયાને ત્યાં પોતાની દીકરી ઉર્વશીના લગ્ન મોરવા હડફ તાલુકાના સંતરોડ સાલીયા ગામના શિવ શક્તિ સોસાયટી ખાતે રહેતા સતિષભાઈ લક્ષ્મણભાઈ ભાભોર સાથે નક્કી કર્યા હતા. જેથી પોતાની દીકરીના લગ્ન 13/03/2023ના રોજ હોવાના કારણે પોતાના પિતા અરવિંદભાઈ પોતાના ઘરે માંડવો બંધાવી શણગારી અને પોતાની દીકરીના લગ્નની તૈયારીઓ કરતા હતા.
13 તારીખે આનંદ મંગળફેરા ફર્યા
એક બાજુ પરિવારના સભ્યો દીકરી ઉર્વશીને પીઠી ચોળીને લગ્નની મજા માણી રહ્યા હતા. ત્યાં બીજીબાજુ દીકરી ઉર્વશીના 13મી માર્ચે લગ્ન હોવાથી પરિવારના દરેક સભ્યો ઢોલ નગારા અને ડીજેના સથવારે આનંદ અને ઉમંગથી લગ્નની મજા માણી નાચી કૂદી રહ્યા હતા. ત્યારબાદ દીકરી ઉર્વશીએ 13મી માર્ચે લગ્નના સાત ફેરા ફર્યા અને ત્યારબાદ પોતાની વ્હાલ સોયી દીકરી ઉર્વશીને પોતાના માતા પિતા દ્વારા સાસરીયે વળાવવામાં આવી.
16 તારીખે દીકરીએ અંતિમ શ્વાસ લીધા
જ્યારે દીકરી ઉર્વશીને ફરીથી પોતાના પિયરમાં પાછું આણું વાળીને લાવવાની તૈયારીઓ પિયર પક્ષના લોકો કરી રહ્યા હતા અને એજ દિવસે દીકરી ઉર્વશીના સાસરીમાંથી ફોન આવ્યો, 'તમારી દીકરીએ ગળે ફાંસો ખાઈ લીધો છે'. જેથી પરિવારના સભ્યો સહિત માતા પિતા ઉપર દીકરી ગુમાવવાથી આભ તૂટી પડ્યું હતું.
માતાનું હૈયાફાટ રુદન
ત્યારે આ બાબતે દિવ્ય ભાસ્કરની ટીમે મૃતક ઉર્વશીના ઘરે મુલાકાત લીધી હતી. ત્યારે તેમના પરિવારના સભ્યો દીકરી ઉર્વશીના અકાળે મોતના લીધે ભાંગી પડ્યા હતા. માતા હૈયાફાટ રુદન કરી રહી હતી અને કહી રહી હતી કે 'ઓ મારી દીકરીને આ શું થઈ ગયું'.
પરિવારના સભ્યો ઉપર મોતનું માતમ
પિતા અરવિંદભાઈ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, મારી ત્રણ દીકરીઓ છે અને એક દીકરો છે. જેમાં સૌથી મોટી દીકરી ઉર્વશી છે. જેના 13મી માર્ચના રોજ લગ્ન થયા હતા. જેમાં અમે અમારા પરિવારના લોકો આનંદ અને ઉમંગ સાથે દીકરીના લગ્નના સાત ફેરા ફરાવી, ત્યારબાદ પોતાના સાસરીમાં વળાવી હતી. જ્યારે અમે 15મી તારીખે પોતાની દીકરીનું પાછું આણું લેવા ગયા ત્યાં આણાની જગ્યાએ પોતાની દીકરીએ ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી. જેથી પરિવારના સભ્યો ઉપર મોતનું માતમ છવાઈ ગયું હતું.
દીકરીએ MAની છેલ્લી પરીક્ષા આપી
વધુમાં જણાવ્યું હતું કે, મારી દીકરી ઉર્વશીના લગ્નના બીજા દિવસે તેના MAની પરીક્ષાનું પેપર હતું. જેથી દીકરી અને જમાઈ બંને મારા ઘરે આવ્યા. હસી ખુશી સાથે પરીક્ષાનું પેપર આપી ગયા અને એજ રાત્રે અમારી જોડે દીકરી ઉર્વશીએ ફોન ઉપર વાતચીત પણ કરી હતી. ત્યારબાદ સવારમાં ફોન આવ્યો કે, 'તમારી દીકરીએ ગળેફાંસો ખાઈને લટકી ગઈ છે'.
ઘરમાં દીકરીના લગ્નનો પહેલો પ્રસંગ હતો
મોરડુંગરાના સરપંચ અર્જુનભાઈ હરિ રાવલે જણાવ્યું હતું કે, 13મી માર્ચના દિવસે અમારી સમાજના રીત રિવાજ મુજબ અરવિંદભાઈ નાનજીભાઈ જાલૈયાના ત્યાં પોતાની દીકરીનો લગ્નનો પહેલો પ્રસંગ હતો. જેથી તેના લગ્ન કરી તેને સાસરીમાં મોકલી આપી હતી.
પોલીસે ગુનો નોંધી વધારે તપાસ હાથધરી
ત્યારબાદ ઉર્વશીને MAની પરીક્ષાનું પેપર હતું, જેથી તેણે પિતા અરવિંદભાઈને ફોન કરીને કહ્યું હતું કે, 'પપ્પા મારે પરીક્ષા છે, મારી પરીક્ષા 1:30 વાગ્યે પતી જાય ત્યારબાદ તમે સમાજના લોકોને લઈ આણું લેવા માટે આવજો'. ત્યારબાદ સવારમાં ખબર આવી કે દીકરી ઉર્વશીએ ગળેફાંસો ખાઈ લીધો છે. હાલ મોરવા હડફ પોલીસે ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.