4 શ્રમજીવીઓ કાળનો કોળીયો બન્યા:ગોધરાના અમરાપુરા ગામે લક્ઝરી બસ ટ્રક પાછળ ધડાકાભેર અથડાઈ; બે માતાઓ સંતાનો સાથે ઘટનાસ્થળે મોતને ભેટી

પંચમહાલ (ગોધરા)20 દિવસ પહેલા

ગોધરા શહેર બહાર અમદાવાદ હાઈવે ઉપર ગઈકાલે સોમવારે વહેલી સવારે વેગનપુર ખાતે પુરઝડપે આવી રહેલી લક્ઝરી બસ હાઈવે ઉપર ઉભી રહેલી ટ્રકને ધડાકાભેર અથડાઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં મજૂરી કામ કરીને મધ્યપ્રદેશ ખાતે વતનમાં પરત ફરી રહેલી ​​​​​​બે માતાઓ પોતાના બે સંતાનો સાથે ઘટનાસ્થળે મોતને ભેટી હતી. ત્યારે સંખ્યાબંધ ઈજાગ્રસ્ત મુસાફરોને ત્રણ 108 એમ્બ્યુલન્સમાં લાવવામાં આવ્યા હતા. એમાં 6 જેટલા ગંભીર ઈજાગ્રસ્તોને વડોદરા ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ કાળમુખો અકસ્માત એટલો ગંભીર હતો કે ત્રણ મૃતદેહો તો લકઝરી બસ અને ટ્રકની વચ્ચે ખૂબ ખરાબ રીતે ફસાઈ જતા ભારે અરેરાટીના દ્રશ્યો સર્જાયા હતા. એમાં લક્ઝરી બસમાં સવાર મુસાફરોની આક્રંદભરી ચીસોથી વહેલી સવારે અમદાવાદ નેશનલ હાઈવે ઉપર ગમગીની પ્રસરી જવા પામી હતી.

મુસાફરોની દયનીય ચીસોથી સમગ્ર વિસ્તાર હચમચી ગયો
ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં અમરાપુરા- વેગનપુર વચ્ચે અમદાવાદ નેશનલ હાઈવે ઉપર સર્જાયેલા આ ગોઝારા અકસ્માત સંદર્ભમાં જાણવા મળ્યા પ્રમાણે સૌરાષ્ટ્રમાંથી મજૂરી કામ કરવા ગયેલા અને મધ્યપ્રદેશમાં માદરે વતન પરીવારના સભ્યો સાથે આવી રહેલા શ્રમજીવી પરીવારો લક્ઝરી બસ નંબર એમ.પી.11.પી.9955માં આવી રહ્યા હતા. ત્યારે ગત વહેલી સવારના અંદાઝે 4 વાગ્યે અંધકારને ચીરતી પુરઝડપે દોડી રહેલી આ લક્ઝરી બસ હાઈવેની બાજુમાં ઉભી રહેલી ટ્રક નંબર આર.જે.17.જી.એ.6273 સાથે પાછળથી ધડાકાભેર અથડાતા મુસાફરોની દયનીય ચીસોથી સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો.

બે માતાઓ પોતાના બે સંતાનો સાથે ઘટનાસ્થળે મોતને ભેટી
આ સાથે સ્થાનિક રહીશોએ પણ મદદમાં દોડી આવીને ઘાયલ મુસાફરોને સલામત નીચે ઉતાર્યા હતા અને અકસ્માતની ખબરો સાથે ત્રણ 108 એમ્બ્યુલન્સો ઈજાગ્રસ્તોની સારવાર માટે ઘટનાસ્થળે દોડી આવી હતી. જો કે આ શ્રમજીવી પરીવારો વતન મધ્યપ્રદેશમાં પોતાના ઘરે પહોંચે આ પહેલા સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં બે મહિલા માતાઓ પૈકી લાબરીયા ગામના નિશાબેન કાળુભાઈ ડામોર (ઉ.વ.25) પોતાની 2 વર્ષની પુત્રી સાથે લક્ષ્મી સાથે જ્યારે માસલીયા ગામના અનિતાબેન દિનેશભાઈ પણદા પોતાના 14 વર્ષના પુત્ર સાવન સાથે મોતને ભેટતાં આક્રંદનો ભારે હાહાકાર પ્રસરી જવા પામ્યો હતો.

મૃતકોની યાદી

1. નિશાબેન કાળુભાઈ શોભારમ ડામોર ઉ.વ. 25 2. લક્ષ્મીબેન કાળુભાઈ ડામોર બંને રહે લાબરીયા મધ્ય પ્રદેશ 3. અનિતાબેન દિનેશભાઈ પણદા 4. સાવન દિનેશભાઈ પણદા રહે. માસલીયા મધ્યપ્રદેશ

ઇજાગ્રસ્તોની યાદી

1.ગુડ્ડ કટિયા કલસિંગ મેડા 2.સુની બેન ગુડ્ડ મેડા 3.રામ ગુડ્ડ મેડા 4.કાળુભાઈ શોભારામ ડામોર 5.દેવિકાબેન ડામોર 6. રંગીતાબેન પ્રતાપભાઈ વાગળા 7. મનિષાબેન જગન્નાથ ભાઈ બારીયા 8.પ્રિયા જગન્નાથભાઈ બારીયા 9.જગન્નાથભાઈ શંભુભાઈ બારીયા 10. ગણેશભાઈ કાશીરામ ડામોર 11.દિનેશભાઈ પ્રતાપભાઈ વાગળા તમામ રહે મધ્યપ્રદેશ

અન્ય સમાચારો પણ છે...