લોકોને મતદાન કરવા અપીલ:ગોધરામાં ભારત વિકાસ પરિષદ દ્વારા દીપાવલી પર્વનું સ્નેહમિલન; ભાવિપોનું સન્માન કરવામાં આવ્યું

પંચમહાલ (ગોધરા)15 દિવસ પહેલા

ભારત વિકાસ પરિષદ દ્વારા ગોધરા ખાતે દીપાવલી સ્નેહ મિલનનું આયોજન આર્ણવ ફાર્મ ખાતે યોજાયું હતું. જેમાં ભારત માતાની પ્રતિમા સમક્ષ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ભારત વિકાસ પરિષદના પ્રમુખ અરવિંદસિંહ સિસોદિયા દ્વારા આવેલ મહેમાનઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. સાથે સંસ્થાની કામગીરીનો અહેવાલ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું ખેસ પહેરાવી સ્વાગત કરાયું હતું.

100% મતદાનના લક્ષ્યાંક માટેનું આહવાન
આ કાર્યક્રમમાં ભાનુ પંચાલે ભારત વિકાસ પરિષદની પ્રવૃત્તિઓને સંસ્કાર વર્ધક, સંસ્કૃતિ વર્ધક અને દીન દુ:ખીયાને મદદ કરનારી ગણાવી જણાવ્યું હતું કે, ભારત વિકાસ પરિષદની પ્રવૃત્તિઓ રાષ્ટ્રીયતાને બળ આપનારી અને ધર્મરક્ષાને લગતી પ્રવૃત્તિઓ છે. પછી ધર્મ જાગરણ આયામના પ્રાંતના સંયોજક ધર્મેશ મહેતાએ પરિવારની વ્યાખ્યા અને આજની પારિવારિક સ્થિતિ પર વિસ્તૃત છણાવટ કર્યા બાદ આવનાર સમયમાં યોજાનાર લોકશાહીના મહાપર્વમાં આપણું સર્વાધિક યોગદાન અને રાષ્ટ્ર હિત અને સમાજ હિતમાં 100% મતદાનના લક્ષ્યાંક માટેનું આહવાન કરવામાં આવ્યું હતું.

ભાવિપોનું સન્માન કરવામાં આવ્યું
​​​​​​​
ત્યારબાદ ભાવિપ ગોધરાના સદસ્યોના સંતાનોનું સન્માનપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન પત્રના સહયોગી ભાવિપ ગોધરાના ઉપપ્રમુખ હર્ષિત ગાંધી અને મધ્ય પ્રાંતના યુવા સહ સયોજક અક્ષત ગાંધી હતા. ત્યારબાદ ગુરુધામ આશ્રમના મહંત ઈન્દ્રજીત મહારાજે આશીર્વચન આપ્યા હતા. આ કાર્યક્રમમાં જીલ્લા સંઘચાલકજી, વિભાગ કાર્યવાહ, વિભાગ પ્રચારક, ધર્મ જાગરણ વિભાગ સંયોજક, જીલ્લા કાર્યવાહ, નગર કાર્યવાહ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહીને કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...