ગોધરાના બહારપુરા વિસ્તારમાં આવેલ રામજી મંદિર પાસે રહેતી ચાર બહેનોનું જાણે નસીબ વાંકુ હોય તેમ 3 વર્ષના ગાળામાં માતા અને પિતાની છત્ર છાયા ગુમાવી હતી. વર્ષ 2016માં પિતા સોલંકી સંજયભાઈ કાંતિભાઈનું ટી.બી.ની બીમારીને કારણે અવસાન થયું હતું. પિતા ગુમાવવાના દુઃખમાંથી બહાર આવી ન હતી.
ત્યાં તો વર્ષ 2019માં રસોડામાં સ્ટવ ફાટતા માતા કપિલાબેન સોલંકી ગંભીર રીતે દાઝી જતાં સારવાર દરમિયાન અવસાન થતાં ચાર દીકરીઓ મહર્ષિ સોલંકી, અહીતી સોલંકી, મહેક સોલંકી તથા ભાવિક સોલંકી ઉપર આભ તૂટી પડ્યું હોય તેમ ચાર બહેનોએ માતાપિતાને ગુમાવ્યા બાદ અનાથ અને નિરાધાર થઈ ગઇ હતી.
ત્યારે તેની માસી રમીલાબેન સોલંકીને 3 સંતાન હોવા છતાં નિરાધાર બનેલી ચાર દીકરીઓને પોતાના ઘરે લઈ ગયા હતા. પોતાના સંતાનો સાથે આ અનાથ ચાર દીકરીઓની પણ માતા બનીને ખુબજ ધ્યાન રાખીને ઉછેર કર્યાનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થતાં ગોધરા જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારીઓ તેઓના ઘરે પહોંચ્યા હતા.
સોમવારે ચાર નિરાધાર દીકરીઓને કચેરીમાં બોલાવી જિલ્લા બાળ સુરક્ષા કચેરીના અધિકારી ચિરાગ પટેલ લીગલ ઓફિસર, ભાવનાબેન વણકર, સોશિયલ વર્કર અવનીબેન ડામોર દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જેમા હાલ તેઓ તેના માસીના ઘરે રહે છે તે મકાન જર્જરિત હોવાથી કચેરીના અધિકારીઓએ મકાન બનાવવા પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લેવા તથા ભવિષ્યમાં મદદરૂપ નીવડે તેવી યોજનાઓનું માર્ગદર્શન પૂરું પડેલ હતું.
અમો સતત સંપર્ક કરીએ છીએ
ચાર અનાથ દીકરીઓમાંથી બે દીકરીઓ જે 18 વર્ષથી નીચે છે. તેઓ સરકારની પાલક માતાપિતાની યોજનાનો લાભ લઈ રહ્યા છે. અમો તેમનો સતત સંપર્ક કરી જરૂરી માર્ગદર્શન પૂરું પડતા રહી છીએ. અન્ય કેસોમાં અમો કાઉન્સિલિંગ કરતા રહી છીએ અને અવાર નવાર તેઓના ઘરે જઈને પરિસ્થિતિની માહિતી મેળવતા રહી છીએ. અને બીજી કોઈ મદદની જરૂર હોયતો કચેરીનો સંપર્ક કરવા માટે જણાવેલ છે. > ચિરાગ પટેલ, ઇન્ચાર્જ અધિકારી, પંચમહાલ જિલ્લા બાળ સુરક્ષા એકમ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.