ગોધરા નગર પાલિકા અાર્થીક સંકડામણ અનુભવી રહી છે. સાથે અેજન્સીના દુકાળથી પીડીત બની છે. ગોધરા પાલિકામાં વિકાસના કરોડો રૂપીયાની ગ્રાન્ટ અાવે છે. પણ પાલિકાના કરોડોના કામો કરવા કોઇ અેજન્સી મળતી નથી. ગોધરા પાલિકાને સરકાર દ્વારા વિવિધ યોજના થકી કરોડો રૂપિયાની ગ્રાન્ટ અાપવામાં અાવી છે. જેમાં ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં રૂા.5.50 કરોડના ખર્ચે નવીન ટાઉન હોલ મંજુર થયેલ છે. સાથે હોળી ચકલા પાસે તળાવના કીનારે રૂા.15 લાખના ખર્ચે ટોયલેટ બ્લોક મંજુર થયેલ છે.
અામ વિકાસના બે કામોના રૂા.5.65 કરોડના કામો કરવા પાલીકાઅે ટેન્ડર બહાર પાડયા હતા. પણ પ્રથમ પ્રયત્નમાં બે કામ કરવા કોઇ અેજન્સીઅે ટેન્ડર ભર્યા ન હતા. ત્યારે બાદ પાલીકાઅે અેક બાદ અેક કરીને 6 વખત પ્રયત્નો કરવા છતાં નવીન ટાઉન હોલ અને ટોયલેટ બ્લોક બનાવા કોઇ પણ અેજન્સીઅે ટેન્ડર ભર્યા નથી. કરોડો રૂપિયાના કામોને લઇને અેજન્સી ટેન્ડર ન ભરતાં હોવાનું કારણ પાલિકાની નિતી તથા કેટલાક સભ્યોની અડચણ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
સરકારમાંથી અાવેલી કામોને અેજન્સી ન ભરતાં પાલિકાને અેક પ્રયત્ન કરવામાં રુા.10 હજારનો બોજો સહન કરવો પડે છે. અામ 6 પ્રયત્નો કરતાં પાલિકાને કામ શરૂ થતં પહેલા રૂા.60 હજારનું નુકસાન વેઠવાનો વારો અાવ્યો છે. પાલિકામાં લોકલ કક્ષાઅે કોન્ટ્રાકટર બની બેઠેલા અેજન્સીઅો સીસી રોડનું ટેન્ડર બહાર પડે તો પહેલા પ્રયત્ને ભરી દે છે. ત્યારે ડામર રોડના 7 કરોડના કામો કરવા પાલિકા અેજન્સીઅોને કામ લેવા અાજીજી કરે ત્યારે 4 પ્રયત્નો બાદ ડામરના કામો ગોધરામાં શરૂ થયા હતા. પાલિકાના કામોમાં ટકાવારી, કેટલાક સભ્યો તથા સ્થાનિક રહિશો હેરાનગતી તથા બિલોમાં થતા વિલંબ હોવાની ચર્ચાઅોને લઇને અેજન્સીઅો પાલીકાના કામો કરવામાં અળગા રહેતા હોવાનું લાગી રહ્યું છે.
પાલિકાઅે અેજન્સીને અાજીજી કરીને કામો અાપ્યા
ગોધરામાં 50 લાખના ખર્ચે 7 રોડ મંજુર થયા હતા. પરંતું ડામરના કામો કરતી અેજન્સીઅોની ધટ હોવાને લઇને પાલીકામાં અેજન્સીઅો ટેન્ડર ભરતી ન હોવાથી ડામરના રોડના કામો માટે પાલીકાઅે 4 પ્રયત્નો કરવા છતાં અેજન્સીઅો ના અાવતાં પાલીકાઅે સ્થાનિક અેજન્સીઅોને અાજીજી કરીને અાખરે કામ અાપ્યા હતા. અાગામી સમયમાં ગોધરાના 11 વોર્ડમાં સ્વર્ણીમ જયંતિ મુખ્યમંત્રી યોજના અંતર્ગત 10 કરોડના સીસી રોડ બનાવવામાં અાવશે જેની અેજન્સીઅો નક્કી થઇ ગઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.
ટેન્ડરની શરતોને લઇને અેજન્સીઅો ટેન્ડર ભરતા નથી
ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં નવીન ટાઉન હોલ અને તળાવ પર ટોયલેટ બ્લોકના કામોના 6 પ્રયત્નો કરવા છતાં કોઇ અેજન્સી અાવી નથી. સાતમી વાર કામોની ટેન્ડરની જાહેરાત અાપીશું. જેમાં અેજન્સી નક્કી થઇ જશે. ડામરના કામ કરવા 4 પ્રયત્નો કર્યા બાદ અેજન્સીઅોને સમજાવીને ડામરના કામો અાપ્યા છે. સીસી રોડના અેજન્સી પરહેલા પ્રયત્નોમાં અાવી જાય છે. ટેન્ડરની શરતોને લઇને અેજન્સીઅો કામ ભરતા ન હોય તેમ લાગી રહ્યું છે: રણજીતસિંહ ડામોર, બાંધકામ વિભાગ
તળાવના કામ માટે બે નોટિસ પણ અાપી
ગોધરા શહેરની મધ્યમાં અાવેલા રામ સાગર તળાવનુ રૂા.5 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન કરવામાં અાવનાર છે. જેની અેજન્સી નક્કી થઇ જતાં ફેબ્ુઅારીમાં કામ ચાલુ થવાનું હતું. પરંતુ બ્યુટીફીકેશનમાં અણ અાવડત ધરાવતી અેજન્સીને કામ અાવતાં બ્યુટીફીકેશનની કામ ચાલુ થયું ન હતુ. પાલીકા દ્વારા અેજન્સીને તળાવનું કામ ચાલુ કરવા માટે બે નોટીસ પણ અાપવામાં અાવી હતી. જયારે તળાવના બ્યુટીફીકેશનના કામમાં અેજન્સી અને પાલીકા વચ્ચે તળાવમાં કામ કરવાના લેવલને લઇને બ્યુટીફીકેશન ધોંચમાં પડયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.