સરકારી નોકરી અપાવવાના બહાને છેતરપિંડી:વડોદરા SRP ગ્રૂપ 9ના તત્કાલીન IPS તથા પરિવાર દ્વારા 50 લાખની ઠગાઇ

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગોધરા તાલુકાના 10 યુવાનોને સરકારી નોકરી અપાવવા રૂા.50 લાખ લીધા હતા
  • અરજદારોએ ગૃહમંત્રી, આઇજી સહિતનાઓને આક્ષેપ કરતી અરજી

વડોદરા SRP ગૃપ 9 ના તત્કાલિન કમાન્ડર મોહિત જાની, તેમની પત્ની સહીત પુત્ર, પુત્રીઓએ 10 યુવાનોને સરકારી નોકરીના કાયમી ઓર્ડર આપવાની લાલચ આપીને રૂા.50 લાખ લીધા બાદ પણ ઓર્ડર ન આપતા યુવાનોએ રૂપીયા પરત માંગ્યા હતા. IPS અધીકારી તથા તેમના પરિવારે મારી નાખવાની ધમકી આપીને નાણાં પરત નહિ મળે તેમ કહેતાં યુવાનોએ ગૃહમંત્રી, ડીજી, પંચમહાલ રેન્જ આઇજી સહિતને આક્ષેપ કરતી અરજી કરીને નાણાં પરત અપાવવાની અરજ કરી હતી. અને સરકારી નોકરીને બદલે ખાનગી નોકરી આપીને છેતરપીંડી કરી હોવાનો આક્ષેપ કર્યો છે.

ગોધરા તાલુકાના 10 યુવાનો પાસેથી રૂા.50 લાખ લીધા
વડોદરાના મકરપુરા ખાતેના SRP ગૃપ 9 માં વર્ષ 2021 માં IPS અધીકારી મોહિત.ડી.જાની કમાન્ડર તરીકે ફરજ બજાવતાં હતા. તેઓના બંગલે આસીસ્ટન્ટ કુક તરીકે જશવંતભાઇ રાયજીભાઇ બારીયા નોકરી કરતો હતો. જશવંતભાઇ મારફતે IPS અધિકારી અને તેમની પત્ની જાગૃતિબેન દ્વારા સરકારી નોકરી અપાવવાની લાલચ આપીને ગોધરા તાલુકાના 10 યુવાનો પાસેથી રૂા.50 લાખ લીધા બાદ સરકારી નોકરી નહી આપીને છેતરપીંડી કરી હોવાની આક્ષેપ કરતી અરજી ગૃહમંત્રી, રાજય આઇજી સહીત પંચમહાલ રેન્જ તથા પંચમહાલ પોલીસવડાને કરી હતી. જે અરજીમાં જણાવેલ કે વર્ષ 2021 માં SRP ગૃપ 9 ના કમાન્ડર મોહીત જાની તથા તેમની પત્ની જાગૃતિબેન દ્વારા કાયદેસરની વર્ગ-4ની કાયમી ભરતી કરવાનુ ટેન્ડર આવેલં છે. જેથી કોઇ યોગ્ય છોકરાઓ હોય તો અમને જાણકારી આપશો તેમ કહ્યું હતું.

નોકરીનો આર્ડર આપવાના હોવાથી વ્યક્તિ દીઠ રૂા.5 લાખની માંગ કરી
જેથી આસીસ્ટન્ટ કુક જશવંતભાઇએ 10 યુવાનોના નામો અને ડોકયુમેન્ટ આપ્યા હતા. આઇપીએસે કાયમી નોકરીનો આર્ડર આપવાના હોવાથી વ્યક્તિ દીઠ રૂા.5 લાખની માંગ કરી હતી. 10 યુવાનોના રૂા.35 લાખ એપ્રિલ-2021 માં મોહિત જાનીના બંગલે લીધા અને બાકીના 15 લાખ લેવા મોહીત જાની તથા તેમની પત્ની સરકારી ડ્રાઇવર સાથે ગાડીમાં બેસીને ઓરવાડા થી લીધા હતા. બાદ નોકરીના આર્ડરની માંગણી કરતાં મોહીત જાની વાયદાઓ કરી હજુ સમય લાગશે નોકરી મળશેની બાંહેધરી આપી હતી.

ખાનગી કંપનીના નોકરીના પત્ર આપ્યા
નોકરી ન મળતા યુવાનો સહિત જશવંતભાઇ વડોદરા ઓફીસ જતાં મોહિત જાની દ્વારા તમારાથી થાય તે કરી લો નાણાં તમને પરત મળશે નહિ. નોકરી જોઇતી હોય તો રાહ જોવ તેમ જણાવ્યું હતું. બાદ આઇપીએસે વડોદરાની સાંઇકૃપા સર્વિસ પ્રોવાઇડર નામની ખાનગી કંપનીના નોકરીના પત્ર આપ્યા હતા.

નોકરીના કાયમી ઓર્ડર આપવાની લાલચ આપીને રૂા.50 લાખ લીધા
ખાનગી નોકરી કર્યા છતાં સરકારી નોકરીના આર્ડર ન મળતાં યુવાનો છેતરાયા નો એહસાસ થતાં તેઓ મોહીત ના બંગલે નાણાની માંગણી કરવા જતાં મોહિત જાની, તેમની પત્ની તથા તેમનો પુત્ર તથા પુત્રી ગુસ્સે થઇને તમારા નાણા મળશે નહિ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના આક્ષેપ અરજીમાં કર્યા હતા. વડોદરાના તત્કાલિન IPS અધિકારી મોહીત જાની તથા તેમના પરિવારે રૂા.50 લાખ લઇને કાયમી સરકારી નોકરીના ઓર્ડર નહિ આપીને છેતરપીંડી કરતાં રાજ્યના ગૃહમંત્રી તથા ડીજી સહિતનાઅઓને આક્ષેપ કરતી રજૂઆત કરીને ઝીણવટભરી તપાસ કરાવી નાણાં અમોને અપાવવા જણાવ્યુ હતુ.

ઉચ્ચક્ક્ષાએ લેખિત રજૂઆત કરી
હું વડોદરા ખાતે કમાન્ડર મોહીત જાનીને ત્યાં આસીસ્ટ કુક તરીકે નોકરી કરતો હતો. તે દરમ્યાન કમાન્ડરે કોઇને સરકારી નોકરી જોઇતી હોય તો રૂા.5 લાખમાં અપાવી દઇશ તેમ કહેતા 10 યુવાનો પાસેથી 50 લાખ લઇને આઇપીએસ મોહિત જાનીને આપ્યા હતા. નાણાં આપ્યા બાદ નોકરીના ઓર્ડર નહિ આપીને વાયદાઅો કરતાં અમે અમારા આપેલા નાણાં પરત લેવા ગયા ત્યારે જો વધારે રજૂઆતો કરશો તો નોકરીમાંથી કાઢી મૂકીશ. જાનથી મારી નાંખીશ તેમજ જાનથી મારી નંખાવવાની પણ ધમકીઓ આપી હતી. અમે ઉચ્ચક્ક્ષાઅે લેખિત રજૂઆત કરી છે. - જશવંતભાઇ રાયજીભાઇ બારીયા, અરજદાર

આઇપીએસ હાલ સાંબરકાંઠાના SRP ગ્રૂપ-6 માં ફરજ બજાવે છે
આઇપીએસ મોહીત જાની તથા તેમની પત્ની સાથે જશવંતભાઇના મોબાઇલ ફોન પર થયેલી વાતચીત અને ઉતારેલા વિડીયોમાં આઇપીએસની પત્નીએ નાણાં લીધા હોવાનો એકરાર કર્યો હતો. જયારે જશવંતભાઇ બારીયા ત્યાર બાદ ગોધરા ખાતે પંચમહાલ પોલીસવડાના બંગલે આસીસ્ટ કુક તરીકે બદલી થઇ હતી. ત્યાર બાદ જશવંતભાઇની બદલી હેડ ક્વાર્ટરમાં બદલી કરવામાં આવી હતી. જયારે વડોદરાના આઇપીએસ મોહિત જાનીની હાલ સાંબરકાંઠાના એસઆરપી ગ્રૃપ-6 માં કમાન્ડર તરીકે ફરજ બજાવી રહ્યા છે.