ફરિયાદ:સાંપા ગામે ટ્રેકટર નીચે 2 કુંટુબી ભાઇ દબાઇ જતાં મોતને ભેટ્યા

ગોધરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે તરુણો ખેતરના શેઢા પર ખેતર ખેડતા ટ્રેક્ટરને જોતા હતા
  • ગોધરા તાલુકા પોલીસ મથકે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ફરિયાદ

ગોધરાના સાંપા ગામે ખેતરના શેઢા પર ઉભા રહીને બે કુંટુબી ભાઇઓ ખેતર ખેડતા ટ્રેક્ટરને જોતા હતા. અચાનક ખાડામાં ટ્રેક્ટર પલટી ખાતાં શેઢા પર ઉભેલા બે કુંટુબી ભાઇઓ તેની નીચે દબાઇ જતાં તેમના મોત થયા હતા. આ અંગે ગોધરા તાલુકા પોલીસ મથકે ટ્રેકટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ગોધરા તાલુકાના સાંપા ગામના દેસાઇવાટા ફળિયામાં રહેતા 12 વર્ષિય જયદેવસીંહ પારસિંહ પટેલ અને તેના કાકાનો 12 વર્ષનો છોકરો પ્રકાશ હસમુખભાઇ બારીયા તેમના ખેતરની બાજુમાં આવેલા ખેતરમાં ટ્રેક્ટરથી ખેડાણ થતું હોવાથી જોવા ગયા હતા. બંને ભાઇઓ ખેતરના એક ખૂણામાં આવેલા શેઢા પર ઉભા હતા. ત્યારે ટ્રેક્ટરના ચાલકે પૂરઝડપે અને બેફીકરાઇથી ચલાવીને વાળવા જતાં શેઢાના ખાડામાં ટ્રેકટર પલટી ખાઇ જતા શેઢા પર ઉભા રહેલા જયદેવસિંહ અને પ્રકાશ ટ્રેકટર નીચે દબાઇ ગયા હતા.

અકસ્માત થતાં આસપાસના ખેતરમાંથી લોકોએ દોડી આવીને બંનેને ટ્રેક્ટર નીચેથી બહાર કાઢયા હતા. અને બંને કુંટુબી ભાઇઓને ગોધરા સિવિલ લઇને જતાં હાજર તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા. એક જ પરિવારના બે દીપક બુઝાઇ જતાં ગામમાં માતમ છવાયો હતો. જોકે ટ્રેક્ટર ચાલક નાસી ગયો હતો. ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...