લમ્પી સામે તંત્ર તૈયાર:પંચમહાલ જિલ્લામાં લમ્પી વાઈરસના 15 કેસો નોંધાયા, 22 ટીમોમાં 13 પશુચિકિત્સક ડોક્ટર અને 22 પશુધન નિરીક્ષકો સેવા આપી રહ્યા

પંચમહાલ (ગોધરા)11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પંચમહાલ જિલ્લામાં 22 ટીમો કાર્યરત, પશુઓમાં વેક્સિનેશનની કામગીરી શરુ કરાઈ
  • કલેક્ટરની અધ્યક્ષતામાં લમ્પી વાઈરસને લઈને પૂર્વ તૈયારીઓ અંગે બેઠક યોજાઈ

પશુઓમાં આવેલ લમ્પી વાઇરસથી પશુપાલકોમાં ભયનો માહોલ વ્યાપો છે. પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધી આ વાઈરસની નહિવત અસર જોવા મળી છે. આ વાઇરસને ફેલાતો અટકાવવા પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમયસર કામગીરી હાથ ધરીને વ્યાપક પગલાંઓ લેવામાં આવી રહ્યાં છે. પંચમહાલ જિલ્લા સેવા સદન ગોધરા સ્થિત કલેક્ટર કચેરી ખાતે આજે મંગળવારના રોજ જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં લમ્પી વાઈરસને લઈને વિવિધ સંબંધિત અધિકારીગણો સાથે પૂર્વ તૈયારીઓ અંગે બેઠક યોજાઈ હતી. જેમાં પંચમહાલ જિલ્લાના લમ્પી વાઇરસ અસરગ્રસ્ત તાલુકાઓમાં કરવાની કામગીરી, સર્વે અને સારવાર અંગે ચર્ચા કરવામાં આવી હતી.

પશુપાલકોએ બિલકુલ ગભરાવાની જરૂર નથી - કલેક્ટર
આ વાઇરસને પ્રસરતો અટકાવવા સર્વે અને સારવાર પર ભાર મુકતાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, લમ્પી વાઇરસથી પશુપાલકોએ બિલકુલ ગભરાવાની જરૂર નથી. આ વાઇરસ એક પશુમાંથી બીજા પશુમાં ફેલાય છે. આ વાઇરસમાં પશુને સામાન્ય તાવ આવે, આંખ-નાકમાંથી પ્રવાહી આવે, આખા શરીર પર ગાંઠો જેવા નરમ ફોલ્લા પડે, પશુ ખાવાનું બંધ કરે જેવા સામાન્ય લક્ષણો દેખાય તો તાત્કાલિક 1962 નંબર અથવા તો નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરવો.

વાઇરસના જિલ્લામાં 15 કેસો નોંધાયા
આ પ્રસંગે નાયબ પશુપાલક અધીકારી એન.એ. પટેલે જણાવ્યું હતું કે લમ્પી વાયરસની સારવાર, સર્વે અને અવેરનેસ માટે જિલ્લામાં 22 ટીમોમાં 13 પશુચિકિત્સક ડોક્ટર અને 22 પશુધન નિરીક્ષકો તથા વેટરનરી તબીબો ખડેપગે સેવા આપી રહ્યાં છે. આ વાઇરસના જિલ્લામાં 15 કેસો નોંધાયા છે. આ વાઈરસમા પશુના મૃત્યુનું પ્રમાણ માત્ર 1થી 2 ટકા છે. સઘન સર્વે સાથે તંદુરસ્ત પશુઓમાં રસીકરણ પણ ચાલી રહ્યું છે. પશુમાં પ્રસરતા ચેપને અટકાવી શકાય. પશુઓમાં આ રોગના ચિહ્નો દેખાય તો ટોલ ફ્રી 1962 હેલ્પ લાઇન નંબર પર અથવા નજીકના સરકારી પશુ દવાખાનાનો સંપર્ક કરવા પશુપાલકોને અનુરોધ કરવામાં આવ્યો છે.

સામાન્ય લક્ષણો દેખાય તો 1962 પર સંપર્ક કરવો
ગાય- ભેંસ વર્ગના પશુઓમાં ગાંઠદાર ત્વચા રોગ (લમ્પી સ્કિન ડીસીઝ) જોવા મળે છે. વાઇરસથી થતો આ રોગ મચ્છર, માખી, જૂ, ઇતરડી વગેરે દ્વારા તથા સીધો સંપર્ક, દૂષિત ખોરાક અને પાણીથી ફેલાય છે. આજના આ પ્રસંગે જિલ્લા વિકાસ અધીકારી અર્જુનસિંહ રાઠોડ, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સહિત વિવિધ સંબંધિત અધિકારી ગણો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...