ગોધરામાં બે સ્થળેથી રહેણાંક મકાનમાંથી પોલીસે કુલ 143 કિલો શંકાસ્પદ માંસનો જથ્થો પકડાયો હતો. 5 સામે બી ડિવિઝન પોલીસે જાણવા જોગ નોંધીને તપાસ હાથ ધરી છે. જેમા પ્રથમ બનાવમાં ગોધરા શહેરના સિગ્નલ ફળિયા વિસ્તારમાં રહેણાંક મકાનમાં શંકાસ્પદ માંસનો જથ્થો રાખીને વેચાણ કરવામાં અાવે છે. તેવી બાતમી ગોધરાના બી ડીવિઝન પોલીસ મથકને મળી હતી. બાતમીના અાધારે પોલીસે રહેણાંક મકાનમાં છાપો માર્યો હતો.
પોલીસને રહેણાંક મકાનમાંથી 25 કિલોગ્રામ શંકાસ્પદ માંસનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વજનકાંટો તેમજ અન્ય સાધનો મળીને કુલ રૂા. 21535નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. આ શંકાસ્પદ માંસનો જથ્થો આબેદા અનવર હુસેન પટેલ અને ફૈઝાન અનવર હુસેન મોહમદ પટેલને વસીમ નિશાર ખાલપા ઉર્ફે ઝીણા અને ઇમરાન નિશાર ખાલપાએ આપ્યો હતો. તેઓ આ શંકાસ્પદ માંસનો જથ્થો શોકત ઇકબાલ બકકર ઉર્ફે સબુરિયો પાસેથી લાવ્યા હોવાનું જણાવ્યું હતું.
બીજા બનાવમાં ગોધરા શહેરના મુસ્લિમ બી સોસાયટીમાં આવેલ એઠલીની વાડી પાસેના રહેણાંક મકાનમાં ફાતેમા યામીન ઝભા દ્વારા શંકાસ્પદ માંસનો જથ્થો રાખવામાં આવ્યો છે. જેના આધારે પોલીસે મકાનમાં જઈને તપાસ કરતા મકાનમાં ચટ્ટાઇ પર પાથરેલો 118 કિલોગ્રામ શંકાસ્પદ માંસનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે માંસનો જથ્થો તેમજ અન્ય સાધનો મળીને કુલ રૂા.25030 નો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસે બંને ઘરમાંથી મળી આવેલ માંસનો જથ્થો ગૌમાંસ છે કે કેમ તેની તપાસ અર્થે મોકલીને ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે જાણવાજોગ નોંધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.