ભાવ વધારો:8.81 લાખ વીજ ગ્રાહકો ઉપર વાર્ષિક રૂ.10.50 કરોડનો બોજો, એમજીવીસીએલે એક યુનિટ દીઠ 10 પૈસાનો વધારો કર્યો

ગોધરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પંચ.-દાહોદ-મહી.ના ગ્રાહકોએ 200 યુનિટ દીઠ રૂા.20ના વધારા સાથેનું બિલ ભરવું પડશે

ગોધરા સર્કલની અેમજીવીસીઅેલ કંપની દ્વારા યુનિટ દીઠ 10 પૈસાનો વધારો કર્યો છે. જેને લઇને અેમજીવીસીઅેલ ગોધરા સર્કેલમાં અાવતા પંચમહાલ, દાહોદ, લુણાવાડા તથા હાલોલના 8,81,150 વિજ ગ્રાહકોના લાઇટ બિલમાં તેનો વધારો અાવશે. આ ભાવ વધારો ધરેલું અને કોમર્શિયલ વિજ વપરાશમાં કરાયો છે. આ ભાવ વધારો નવા બિલથી અમલમાં મુકાશે. પેટ્રોલ, ડીઝલ, ગેસ સહિત તમામ ઘરગથ્થુ ચીજ-વસ્તુઓના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યાં મધ્ય ગુજરાત વિજ કંપનીએ વીજળીના બિલમાં વધારો કર્યો છે.

જેથી ગ્રાહકો પર આર્થિક રીતે બોજમાં વધારો થશે. ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડે ભાવ વધારા માટે જર્ક (ગુજરાત ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનમાં) ક્વોટર પ્રમાણે ફ્યુઅલ ચાર્જના વધારા તરીકે ભાવ વધારો માંગ્યો હતો, જેમાં જર્ક દ્વારા ભાવ વધારાને મંજૂરી આપવામાં આવી હતી. જેને લઈને મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા યુનિટ દીઠ 10 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. ગોધરા સર્કલના 8.81 લાખ ગ્રાહકોને વાર્ષિક વિજ બિલ પેટે વધારાના રૂપિયા 10.50 કરોડનો વધારો ચુકવવો પડશે. જેનું વિજબીલ સરેરાશ 200 યુનિટનું હશે તેના બિલમાં રૂા.20નો વધારો અાવશે.

બે માસના બિલ દીઠ1.75 કરોડનો બોજો
ગોધરા ડિવિઝનના 1,86,743 ગ્રાહકો, દાહોદ ડિવીઝનના 3,07,862 વિજ ગ્રાહકો, હાલોલ ડિવિઝનના 1,86,452 ગ્રાહકો તથા લુણાવાડા ડિવિઝનના લુણાવાડ, કડાણા, સંતરામપુર, કોઠંબા, ખાનપુર, વીગેરેના 2,06,093 વિજ ગ્રાહકો મળીને ગોધરા સર્કેલના 8,81,150 વિજ ગ્રાહકોને બે માસના બિલ દીઠ રૂા.1.75 કરોડનો બોજો પડશે.

વધારાની માંગ મંજૂર થતાં ભાવ વધારો કર્યો
કોલસા, ડીઝલના ભાવ વધતાં તેમજ અન્યથી ખરીદી કરતી વિજળીનો મોંધી પડતાં ગુજરાત ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનમાં યુનિટના ભાવમાં વધારો કરવાની રજુઅાત કરી હતી. જે રજુઅાત મંજુર થતાં યુનિટ દીઠ 10 પૈસાનો વધારો કરવામાં અાવ્યો છે.અાગામી બિલથી ભાવ વધારો અાવશે: નિકુંજ શાહ, ડે.એન્જિનિયર, ગોધરા સર્કલ, અેમજીવીસીઅેલ.

અન્ય સમાચારો પણ છે...