વિશ્વ શાંતિ માટે મુંબઇથી અજમેરની સફર:1100 કિ.મી.ની સફરે નીકળેલા 65 વર્ષીય પદયાત્રીનું હાલોલમાં સ્વાગત; 11 વર્ષમાં આ 17મી પદયાત્રા

હાલોલ22 દિવસ પહેલા

દેશમાં અને વિશ્વમાં અમન શાંતિ અને ભાઈચારો બન્યો રહે તે માટે માયાનગરી મુંબઇના થાણેથી રાજસ્થાનના અજમેરના ખ્વાજા ગરીબ નવાજના દરબારમાં દુઆ સલામ કરવા નીકળેલા 65 વર્ષના મોહંમદ દિલાવર શેખ હાલોલ શહેરમાંથી પસાર થતા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. છેલ્લા એક દસકથી શરૂ કરવામાં આવેલી આ તેઓની 17મી પદયાત્રા હોવાનું તેઓએ જણાવ્યું હતું. 1100 કિલોમીટરથી વધુની યાત્રા તેઓ સવા મહિનામાં પૂર્ણ કરી દેતા હોવાનું પણ જણાવ્યું હતું.

દેશ દુનિયામાં શાંતિ, અમન અને ભાઈચારો બન્યો રહે તે માટે મુંબઇના થાણેમાં વાગલે સ્ટેટમાં રહેતા 65 વર્ષીય મોહમ્મદ દિલાવર શેખ છેલ્લા 11 વર્ષથી રાજસ્થાનના અજમેરમાં આવેલા ખ્વાજા ગરીબ નવાજના દરબારમાં દુઆ કરવા માટે 1100 કિલોમીટરથી વધુની યાત્રા પગપાળા ચાલી પુરી કરે છે. 21 યાત્રા પૂર્ણ કરવાના સંકલ્પ સાથે શરૂ કરેલી યાત્રામાં આ તેઓની 17મી યાત્રા હોવાનું જણાવ્યું હતું. પાછલા થોડા વર્ષોથી વર્ષમાં બે-ત્રણ યાત્રાઓ તેઓ પૂર્ણ કરે છે. મુંબઇથી 15 દિવસની યાત્રા પુરી કરી તેઓ હાલોલ પહોંચ્યા હતા. જ્યાં કેટલાક ઉત્સાહી યુવકોએ તેઓનું સન્માન કર્યું હતું. ખ્વાજાના દરબારમાં તેઓની દુઆ સલામ મોકલ્યા હતા.

મુંબઇના વિધાયકના પ્રમાણપત્ર સહિતના દસ્તાવેજ સાથે નીકળેલા દિલાવર શેખે જણાવ્યું કે, સવારે યાત્રા શરૂ કરે છે અને સાંજ સુધી ચાલે છે. વચ્ચે કોઈ મદદ કરે છે તો ભોજન નાસ્તાની વ્યવસ્થા થઈ જાય છે. સાંજે પેટ્રોલપંપ, કે અન્ય કોઈ સુરક્ષિત જગ્યાએ રાતવાસો કરી બીજા દિવસે યાત્રા શરૂ કરે છે. ગુજરાતના લોકો ખૂબ માયાળુ છે અનેક લોકો તેઓને રસ્તામાં ચા, નાસ્તો, ભોજન આપતા હોવાનું જણાવ્યું હતું. 65 વર્ષની ઉંમરે સવા મહિનામાં 1100 કિલો મીટર ચાલીને તેઓ વિશ્વ શાંતિ માટે કપરી યાત્રા કરી રહ્યાં છે. ગયા વર્ષે એમને આ યાત્રા બે વખત કરી હતી. ચાલુ વર્ષેની આ પહેલી અને કુલ 17મી યાત્રા હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...