AAPના રોડ શો બાદ BJPનો કાર્યક્રમ:આવતી કાલે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ શ્રીધર તાવડે હાલોલ શહેરની જનતાને સંબોધશે​​​​​

હાલોલ15 દિવસ પહેલા
વિનોદ શ્રીધર તાવડે

હાલોલ વિધાનસભા બેઠકના હાલોલ શહેરમાં AAPના ઉમેદવારના પ્રચાર અર્થે આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ભવ્ય રોડ શો જોતા, આ બેઠક ઉપર ભાજપે સિનિયર નેતા કે રાષ્ટ્રીય પ્રચારક નહીં ઉતારવાની રણનીતિ બદલવાની ફરજ પડી છે. આ બેઠક ઉપર આવતી કાલે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ શ્રીધર તાવડે હાલોલ શહેરની જનતાને સંબોધશે અને આ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર જયદ્રથસિંહ પરમારને ભવ્ય મતોથી જીત અપાવવા અપીલ કરશે.

ઉમેદવારને રિપીટ કરતા ભાજપમાં જ ભારે અસંતોષ
વિધાનસભાની ચૂંટણીઓના કાઉન્ટડાઉન વચ્ચે હાલોલ બેઠક ઉપર પહેલા ભજપ-કોંગ્રેસના ઉમેદવારોને લઈને અટકળોનું બજાર ગરમાયુ હતું. તેવામાં ભાજપે ઉમેદવારને રિપીટ કરતા ભાજપમાં જ ભારે અસંતોષ ઉભો થયો હતો. જેના કારણે આ બેઠક ભાજપ જાળવી રાખવામાં કેટલી સફળ રહેશે તે અંગેની ચર્ચાઓ વચ્ચે કોંગ્રેસનું આ બેઠક ઉપર ઉમેદવારનું સસ્પેન્સ કાર્ડ ખુલતા વધુ એક વખત આ બેઠક ભાજપના હાથમાંથી સરકી જશે તેવી ચર્ચાઓ ઉભી થઇ હતી.

રાજકીય વાતાવરણ ચર્ચાઓની ચરમસીમાએ
કોંગ્રેસના ઉમેદવારે અચાનક ઉમેદવારીમાંથી ખસી જતા આ બેઠક પર પુનઃ એક વાર ભાજપનો ભગવો લહેરાશે અને આ બેઠક સીધી સોદા બાજી કરીને ભાજપની જોળીમાં મૂકી દેવામાં આવી હોવાના આક્ષેપો ખુદ કોંગ્રેસના હોદ્દેદારોએ રાજીનામાં આપતા સમયે કર્યા હતા. જેથી હાલોલ શહેરનું રાજકીય વાતાવરણ ચર્ચાઓની ચરમસીમાએ પહોંચ્યું હતું. ખુદ ભાજપને પણ અહીં રાજ્ય કે રાષ્ટીય સ્ટાર પ્રચારકની જરૂરિયાત લાગી ન હતી. ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં પણ હાલોલ બેઠક ઉપર કોઈ પ્રચારકનું નામ ન હતું.

કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભીડ ભેગી કરવા પ્રસાર
ગત રોજ હાલોલ શહેરમાં આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જે રીતે ભવ્ય રોડ શો કર્યો તે જોતા ભાજપે પણ પોતાની સ્ટાર પ્રચારક નહીં ઉતારવાની રણનીતિ બદલાવી પડી છે. આવતી કાલે હાલોલ શહેરમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડે હાલોલ આવશે અને ભાજપની જીત માટે ભાજપના ઉમેદવાર પ્રચાર કરશે. હાલોલના મંદિર ફળિયામાં રાખવામાં આવેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભીડ ભેગી થાય તે માટે શહેરમાં ઓટો ફેરવી પ્રજાને કાર્યક્રમમાં આવવા જણાવવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...