હાલોલ શહેરમાં આવેલા બે પુષ્ટિ માર્ગીય મંદિરોમાં આજે વેહલી સવારે હોળિકા દહન કરવામાં આવ્યું હતું. શહેરના વૈષ્ણવો વહેલી સવારે દ્વારિકાધીશ હવેલી અને છગન મગન લાલજી હવેલીમાં પહોંચ્યા હતા. જ્યાં પરંપરાગત રીતે હોળિકા દહન કરાયું હતું અને હોળિકાની પ્રદક્ષિણા કરી પૂજા કરી હતી.
હાલોલ શહેરમાં ગત રોજ વિવિધ સ્થળે હોળિકા દહન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ રાત્રે હોળિકા માતાની પૂજા કરી હતી. આજે વહેલી સવારે પણ હાલોલમાં બે જગ્યાએ હોળિકા દહન કરવામાં આવ્યું હતું. નગરમાં આવેલ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સમાજના બે મંદિરોમાં હાલોલ એસટી સ્ટેન્ડ નજીક આવેલ દ્વારિકાધીશની હવેલી અને મંદિર ફળિયામાં આવેલી છગનમગન લાલજીની હવેલીમાં હોળી પ્રગટાવવામાં આવી હતી.
સામાન્ય તઃ હિન્દૂ પંચાંગ મુજબ ફાગણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસને હોળિકા દહનનો દિવસ માનવામાં આવે છે. એજ રીતે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાય પણ પોતાના પંચાંગ મુજબ આજ તિથિના દિવસે હોળી પ્રગટાવે છે. આ બંને હોળિકા દહનમાં સામાન્ય દેશભરમાં કરાતું હોળી દહન પૂનમની રાત્રિએ કરવામાં આવતું હોય છે. જ્યારે વૈષ્ણવ સમાજ દ્વારા આજ દિવસે સવારે હોળી પ્રગટાવવાની માન્યતા છે.
હિન્દુ પંચાંગ મુજબ દર ચાર વર્ષે આવતા અધિકમાસ દરમ્યાન જ્યારે તિથિઓના સમયમાં ફેરફાર આવતા હોળી પ્રગટાવવાના સમય મુજબ દિવસ ફેરફાર થતો હોય છે. ચાલુ વર્ષે ગત રોજ ચૌદસ હતી, પરંતુ સાંજે પૂર્ણિમા શરૂ થતી હતી. જે આજે સાંજ સુધી જ હોવાથી જ્યાં રાત્રે હોળી પ્રગટાવવામાં આવતી હોય ત્યાં ગઈકાલે પૂર્ણિમાની રાત્રિએ પ્રગટાવવામાં આવી. જ્યારે જ્યાં સવારે પ્રગટાવવામાં આવે છે. ત્યાં આજે પૂર્ણિમાની સવારે પ્રગટાવવામાં આવી. ગઈકાલે સવારે ચૌદસ હોવાથી પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો દ્વારા આજે સવારે મુહૂર્ત મુજબ 6 વાગ્યે હોળી પ્રગટાવી તેની પ્રદક્ષિણા અને પૂજા કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.