...અને એકાએક પરિવાર પર આભ ફાટી પડ્યું:માલપુર અકસ્માતમાં ત્રણ બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો; પિતાએ કહ્યું- આ ફોટો જોઈને અમારે આખી જિંદગી કાઢવાની છે

હાલોલ22 દિવસ પહેલા

અરવલ્લી જિલ્લાના માલપુર ખાતે ગઈકાલે સવારે અંબાજી જઈ રહેલા પગપાળા સંઘ સાથે બનેલી ગોઝારી દુર્ઘટનામાં અનેક પરિવારોએ પોતાના લાડકવાયા ગુમાવ્યા છે, તો કેટલાક પરિવાર પોતાનો દીકરો સારવાર લઈ પાછો ઘરે આવે તે માટે પ્રાર્થના કરી રહ્યા છે. કાલોલના અલાલી ગામના પ્રકાશનું આ ગોઝારા અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું છે, તેના મિત્રએ પણ જીવ ગુમાવ્યો છે. આ બંને યુવકોના પરિવારજનો ભીની આંખે દીકરાની તસવીર લઈ આંસુ સારી રહ્યા છે. પોતાના વહાલસોયાને અગ્નિદાહ આપ્યા પછી પરિવાર ભાંગી પડ્યો હતો. બંને યુવકોના મોતથી આખું ગામ શોકમગ્ન બન્યું છે.

પિતાનો એક પગ હવે કામ નથી કરતો ત્યારે તેઓ આશા રાખીને બેઠા હતા કે દીકરો મોટો થઈને ઘર ચલાવશે પણ હવે તેઓ નિરાધાર બન્યા છે
પિતાનો એક પગ હવે કામ નથી કરતો ત્યારે તેઓ આશા રાખીને બેઠા હતા કે દીકરો મોટો થઈને ઘર ચલાવશે પણ હવે તેઓ નિરાધાર બન્યા છે

3 બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો
અકસ્માતમાં મૃત્યુ પામનાર બંને યુવકો સામાન્ય પરિવારમાંથી હતા, પ્રકાશ મંગળભાઈ રાઠોડ માત્ર 24 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો છે, તેની ત્રણ બહેનો વચ્ચે તે એક માત્ર ભાઈ હતો, ત્રણેય બહેનોએ પોતાનો ભાઈ તો માતા-પિતાએ ઘડપણનો સહારો ગુમાવ્યો છે. પ્રકાશે 3 બહેનોમાંથી 2 બહેનોનાં લગ્ન કરાવી દીધાં હતાં, એક બહેનનાં લગ્ન હજી બાકી હતાં અને પ્રકાશનાં લગ્નની પણ તૈયારીઓ થઈ રહી હતી પણ તે પહેલાં તો પ્રકાશ દુનિયા છોડીને ચાલ્યો ગયો જેથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે. તેઓ વિશ્વાસ જ નથી કરી શકતા કે કુદરતે તેમના સાથે શું કર્યું.

પ્રકાશ અને તેના પરિવાર પાસે રહેવા માટે પાકી છત પણ નથી
પ્રકાશ અને તેના પરિવાર પાસે રહેવા માટે પાકી છત પણ નથી

આ વર્ષે છેલ્લા સમયે પગપાળા જવા તૈયાર થયો
પ્રકાશ ચાર વર્ષથી અંબાજી જતો હતો. આ વખતે તેની જવાની તેની ઈચ્છા ન હતી પણ તેના મામા પહેલી વાર જતા હતા એટલે સંગાથ રહે તે માટે છેલ્લા સમયે જવા માટે તૈયાર થયો હતો. માતાએ ડૂસકું ભરતાં કહ્યું કે મારો એકનો એક દીકરો જતો રહ્યો. જતા પહેલાં દુકાનદારનું ઉધાર હતું એ પણ ચૂકવતો ગયો. દીકરા વગર હવે ભૂખ પણ નથી લાગતી.

મૃતક પ્રકાશ વિશે વાત કરતા કાકા ભાંગી પડ્યા હતા
મૃતક પ્રકાશ વિશે વાત કરતા કાકા ભાંગી પડ્યા હતા

કાકા પ્રકાશ વિશે વાત કરતા ચોધાર આંસૂએ રડી પડ્યા
પ્રકાશની વાત કરતા તેના કાકા રડી પડ્યા હતા, રડતાં-રડતાં તેમણે જણાવ્યું કે તેના પિતાનો પગ અકસ્માત બાદ કામ નથી કરતો, તો માતાનો એક પગ પણ કામ નથી કરતો. આ બંને માટે તે જીવનનો સહારો હતો, પાછળ જીવવાની આશ હતી. દીકરીઓના વ્યવહારો કરતો થશે તો શાંતિ થશે એવી મા-બાપની આશા નિરાશામાં ફેરવાઈ ગઈ છે. ભગવાને ધાર્યું તે ખરું પણ આજે અમારું ઘર પડી ભાંગ્યું છે. કોઈ મદદ કરશે તો કેટલો સમય કરશે? આખું જીવન જ્યારે મળતો ત્યારે મજાક-મસ્તી કરતો. આખું ગામ આજે આ બંને યુવાનોને યાદ કરી આંસુ સારી રહ્યું છે.

બંને યુવકોનાં ઘર સામાન્ય હતાં, પરિવાર ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતું હતું
બંને યુવકોનાં ઘર સામાન્ય હતાં, પરિવાર ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતું હતું
અન્ય સમાચારો પણ છે...