નારાયણધામ જયઘોષથી ગુંજી ઉઠ્યું:હાલોલના તાજપુરા ખાતે હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા, નારાયણ બાપુની સમાધિના દર્શન કરી શિષ્યો ભક્તિરસથી તરબોળ થયા

હાલોલ3 મહિનો પહેલા
  • શિષ્યોમાં ગુરૂ પ્રત્યેની પોતાની અડગ આસ્થા અને અપાર શ્રદ્ધા જોવા મળી
  • શિષ્યોએ ગુરૂ પાદુકા પૂજન, ગુરૂ પૂજન, આરતી, મહાપ્રસાદી તથા ભજન સત્સંગનો લાભ લીધો

હાલોલના તાજપુરા ખાતે આવેલા નારાયણધામ ખાતે ઉલ્લાસભેર ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન અવસરે બ્રહ્મલીન નારાયણ બાપુજીની સમાધિના દર્શન કરવા મોટી સંખ્યામાં પહોંચેલા શિષ્યોમાં ગુરૂ પ્રત્યેની પોતાની અડગ આસ્થા અને અપાર શ્રદ્ધા જોવા મળી હતી.

બાપુની સમાધિના દર્શને લાખો લોકો ઉમટ્યા
હાલોલ નજીક તાજપુરા ગામે આવેલી નારાયણ ધામ ખાતે અત્યાધુનિક સુવિધાઓ સાથેની નારાયણ આઈ હોસ્પિટલ પણ ચલાવવામાં આવે છે, જેમાં વિનામૂલ્યે આંખો અને મોતિયાની સારવાર કરવામાં આવી રહી છે, જેને લઈને પણ તે પ્રસિદ્ધ બન્યું છે. ત્યાં આજે ગુરૂ પૂર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બ્રહ્મલીન નારાયણ બાપુજીની સમાધિના દર્શને લાખો શિષ્યો પહોંચ્યા હતા. વહેલી સવારથી જ દૂર દૂરથી પરિવાર સહ આવેલા શિષ્યોએ બાપુજીની સમાધિના દર્શન કરવા તાજપુરા તરફ પ્રયાણ કર્યું હતું. નારાયણ ધામ ખાતે સવારે પૂજ્ય બાપુજીની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. ગુરૂ પાદુકા પૂજન, ગુરૂ પૂજન, આરતી, મહાપ્રસાદી તથા ભજન સત્સંગનો લાભ શિષ્યોએ લીધો હતો.

પોલીસે ટ્રાફિક પર અંકુશ મેળવ્યો
આ સ્થળે દર વર્ષે લાખોની ભીડ એકત્ર થતી હોવાથી વહીવટી તંત્રે પોલીસ સાથે સંકલન કરી ચાલુ વર્ષે પણ હાલોલથી તાજપુરા તરફ જવાના ગોપીપુરા અને બસ્કાના મુખ્ય બે માર્ગો પૈકી ગોપીપુરા માર્ગને પ્રવેશ માર્ગ અને બસ્કા તરફના માર્ગને નિકાસી માર્ગ બનાવી ટ્રાફિક અંકુશ મેળવ્યો હતો.

હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર અપાય છે
સૌનું કલ્યાણ કરવાનો ઉપદેશ આપનાર બાપુજી એ આ વિસ્તાર જ નહીં સમગ્ર માનવ કલ્યાણ ને દ્રષ્ટિ આપવાનું કાર્ય કરવા અત્રે વિના મૂલ્યે આંખો ની સારવાર કરવાનું દવાખાનું શરૂ કર્યું હતું. જે આજે એક વિનામૂલ્યે આંખોની સારવાર સહિત ઓપરેશનની સારવાર આપતી અત્યાધુનિક હોસ્પિટલમાં પરિવર્તિત થઈ છે અને તેનો લાભ લાખો લોકો લઈ રહ્યા છે. બાપુજીની આ જ સમર્પણ અને સેવાની ભાવનાએ લાખો ભક્તોને તેમના શિષ્યો બનાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...