હાલોલમાં ઉત્તરાયણની ઉજવણી:બજારમાં ઊંધિયું જલેબી લેવા ભારે ભીડ જામી, મહિલાઓએ પરિવાર સાથે ગૌશાળાએ જઈ ગૌપૂજા કરી

હાલોલ24 દિવસ પહેલા

હાલોલ નગરમાં આજે વહેલી સવારથી જ લોકોમાં મકરસંક્રાંતિની ઉજવણીનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. સવારથી જ લોકો મકાનોની છત ઉપર મ્યુઝિક સિસ્ટમ સેટ કરવા લાગી ગયા હતા, પતંગ ચગાવવાનો ઉત્સવ સંગીત સાથે ઉજવવાની મજા માણવા અનેક લોકો સવારે ધાબા ઉપર જોવા મળ્યા, તો કેટલાક સોસાયટીઓના મકાનો ઉપર સવારથી જ મ્યુઝિક સિસ્ટમ ઉપર ફિલ્મી ગીતો વાગતા અને પીપૂડાના અવાજો સંભળાયા હતા.

સૂર્યદેવના રાશિ બદલવાના ખગોળીય પરિવર્તનને મકરસંક્રાંતિ કહેવાય છે, આજે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે એટલે પૃથ્વીનું ભ્રમણ સૂર્યની નજીકથી થશે એટલે આવનારા સમયમાં વાતાવરણ ધીમે ધીમે ગરમ થશે. મકરસંક્રાંતિને હિન્દૂ ધર્મમાં દાન અને પુણ્ય કરવાના દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. ત્યારે આજના દિવસે અનેક રીતે લોકો વિવિધ ચીજવસ્તુઓ, નાણાકીય દાન, જુના કાપડાઓ કે ખાદ્ય ચીજવસ્તુઓનું દાન કરતા હોય છે. આજના દિવસે બ્રાહ્મણોને પણ તલ, ગોળની ચીકીનું દાન કેટલાક લોકો કરતા હોય છે.

હાલોલ નગરમાં આબેલી ફરસાણની દુકાનો ઉપર સવારે ભારે ભીડ જામી હતી. ઉતરાયણનો ઉત્સવ ઊંધીયા અને જલેબી વગર અધુરો ના રહે તે માટે સવારે 10 વાગ્યા પછી અનેક ફરસાણની દુકાનોએ ઊંધીયા જલેબીની ખરીદી માટે લોકોએ ભારે પડાપડી કરી હતી. તો મહિલાઓ સવારે ગૌ પૂજા માટે ગૌશાળાએ પહોચી ગાયને બાજરી અને જુવારમાંથી બનાવવામાં આવતી વાનગી ઘૂઘરી ખવડાવી ગૌ માતાની પૂજા કરી આશીર્વાદ પણ લીધા હતા. આવનારો સમય સુખ શાંતિમય રીતે પસાર થાય તે માટે પ્રાર્થના કરી હતી. ભગવાન સૂર્ય આજે મકર રાશિમાં પ્રવેશ કરશે એટલે તમામ રાશિઓના જાતકો ઉપર તેની સારી-નરસી આશરો જોવા મળશે. માટે આવનારા સમયમાં ઘરમાં પારિવારિક સુખ શાંતિ બની રહે તે માટે મહિલાઓ પરિવાર સાથે ગૌશાળાએ જઇ ગૌપૂજા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...