ભર બજારે ધડાધડ 2 રાઉન્ડ ફાયરિંગ:હાલોલના પાવાગઢ રોડ પર પિસ્તોલ વડે હવામાં ફાયરિંગ કરી દહેશત ફેલાવી યુવક ફરાર, પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો

હાલોલએક દિવસ પહેલા

હાલોલ શહેરના પાવાગઢ રોડ ઉપર ગત સાંજે હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરીને દહેસત ફેલાવવાની કોશિશ કરનાર બાસ્કાના એક લઘુમતી શખ્સને મોડી રાત્રે પોલીસે ધરપકડ કરી ઝડપી પાડ્યો હતો. યુવક પાસેથી હાથ બનાવટની ઓટોમેટીક પિસ્તોલ પોલીસે કબજે કરી છે. આર્મસ એક્ટ હેક્ટર ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શખ્સને પિસ્તોલ ક્યાંથી લાવ્યો અને ફાયરિંગ કરવા પાછળનો તેનો આશય શું હતો, તે દિશામાં પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.

હાલોલના પાવાગઢ રોડ ઉપર મકબરા પાસે ઈંડાની લારી ઉપર ગત સાંજે એક શખ્સે આવીને પોતાના ખિસ્સામાંથી ઓટોમેટીક પિસ્તોલ કાઢી હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સદર બનાવવાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ યુવક ત્યાંથી ફરાર થઈ જતા પોલીસે ઈંડા પુલાવની લારીવાળા ઈસમની ફરિયાદ લઈ તપાસ કરતા ફાયરિંગ શખ્સ હાલોલ નજીક બાસ્કા ગામનો હોવાનું માલુમ પડતા પોલીસે રાત્રે ટીમ બનાવી બાસ્કામાં વિવિધ સ્થળે તપાસ કરી હતી.

સાંજે પાવાગઢ રોડ જેવા ભરચક વિસ્તારમાં શખ્સ દ્વારા હવામાન બે રાઉન્ડ ફાયરિંગ કરતા પાવાગઢ રોડ ઉપર એક તબક્કે અપરાધભરી મચી જવા પામી હતી અને લોકોમાં દહેશત વ્યાપી જવા પામી હતી. જાણવા મળ્યા મુજબ ઈંડાની લારી ઉપર આવેલા એ શખ્સે ધારદાર છરો લઈને દહેશત ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ પિસ્તોલ કાઢીને હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

ફાયરિંગ કરનાર બાસ્કા ગામનો ઈમરાન મકરાની ઉર્ફે ટાઈગર નામનો પોલીસને માલુમ પડતા પોલીસે રાત્રે બાસ્કા ગામેથી મોટરસાયકલ સાથે તેને ઝડપી પાડ્યો હતો. અને તપાસ કરતાં તેની પાસેથી ઓટોમેટીક પિસ્તોલ હાથ બનાવટની મળી આવી હતી. પોલીસે ઇમરાન મકરાણીને રાત્રે જ ધરપકડ કરીને આજે દિવસ દરમિયાન તેની સઘન પૂછપરછ હાથ ધરી હતી. અને આર્મસ એક્ટ હેઠળ તેની સામે ગુનો નોંધી આ હાથ બનાવટની પિસ્તોલ તે ક્યાંથી લાવ્યો હતો અને પાવાગઢ રોડ ઉપર ભરચક વિસ્તારમાં આ રીતે દહેસત ફેલાવવા પાછળનો તેનો આશય શું હતો તે દિશામાં પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...