વૃક્ષ ધરાશાયી​​​​​​​ થતા મુખ્ય માર્ગ બંધ!:પાવાગઢથી ઘોઘંબાના મુખ્ય માર્ગ પર વૃક્ષ ધરાશાયી થતા વાહનોની લાંબી કતારો લાગી; સ્થાનિકો વૃક્ષ હટાવવા કામે લાગ્યા

હાલોલ12 દિવસ પહેલા

પાવાગઢથી ઘોઘંબા માર્ગ ઉપર ભણપુરા ગામ પાસે મુખ્ય માર્ગ ઉપર બાવળનું વૃક્ષ ધરાશાયી થતા રોડ પર ટ્રાફિક સર્જાયો હતો. ઘોઘંબાને પાવાગઢ અને હાલોલ સાથે જોડતા મુખ્ય માર્ગ બંધ થતાં એસટી બસ સહિત અને મોટા વાહનો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા હતા. બપોર બાદ અચાનક વૃક્ષ ધરાશાયી થતા રસ્તો બંધ થઈ જતા સ્થાનિક લોકો વૃક્ષ કાપવાના કામે લાગ્યા હતા.

મુખ્ય માર્ગ પર બાવળનું મોટું વૃક્ષ ધરાશાયી
​​​​​​​
પાવાગઢથી ઘોઘંબા જતા મુખ્ય માર્ગ ઉપર આવેલ ભાણપુરા ગામ પાસે આજે બપોર પછી એક બાવળનું વૃક્ષ ધરાશાયી થતા આ મુખ્ય માર્ગ ઉપર અનેક વાહનો ફસાયા હતા. એસટી બસ સહિત નાના-મોટા ખાનગી વાહનો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા હતા. આ માર્ગ ઉપર આવેલા અનેક ગામોના લોકોનો સીધો વ્યવહાર ઘોઘંબા સાથે છે, એવા ગામડાઓના લોકોની અવાર-જવર મુશ્કેલ બની હતી. મોટર સાયકલ જેવા વાહનો બાજુમાંથી પસાર થઈ જતા હતા, પરંતુ મોટા વાહનો અને ખાનગી પેસેન્જર વાહનો ટ્રાફિટમાં કલાકો સુધી અટવાઈ ગયા હતા.

ઘોઘંબા તરફ કિલો મીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી
​​​​​​​
રેલવે ફાટક બંધ કરી હોય એ રીતે આખો મુખ્ય માર્ગ બ્લોક થઈ જતા આજુબાજુના રહીશો વૃક્ષને કાપવાના કામે લાગ્યા છે. પોણા ચાર વાગ્યાએ વૃક્ષ પડ્યું હતું જેને કલાકનો સમય વીતી જવા છતાં હટાવવામાં નહીં આવતા પાવાગઢ તરફ અને ઘોઘંબા તરફ કિલો મીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી ગઈ છે. આજુબાજુના રહીશો દ્વારા કુલ્હાડીના ઉપયોગથી વૃક્ષ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ આ ગતિએ સાંજ સુધી માર્ગ ખુલ્લો થાય તેમ લાગતું નથી. માર્ગ મકાન વિભાગ દ્વારા જેએબી કામે લગાવવમાં આવે તો વહેલો રસ્તો ખુલ્લો થાય તેમ છે. હાલ એક કલાકથી નાના-મોટા વાહનો ટ્રાફિકમાં ફસાયા છે.

અન્ય સમાચારો પણ છે...