હાલોલમાં બે વર્ષ અગાઉ બસ સ્ટેન્ડ પાસે આવેલ બેન્ક ઓફ ઇન્ડિયા પાસે બેન્કમાંથી રોકડ રૂા.49,000 ઉપાડી ઘરે જતા વૃદ્ધની થેલીની લૂંટ કરનાર લૂંટારુને હાલોલ એડી. ચીફ કોર્ટે કસૂરવાર ઠેરવી 5 વર્ષની સખત કેદ અને રૂા.2 હજાર દંડનો હુકમ કરાતા અસામાજિક તત્વોમાં સોપો પડી ગયો છે.
હાલોલના વાવડી ગામના અર્જુનસિંહ રતનસિંહ પરમાર ઉ.64 તા.12 મે 2020 ના રોજ સવારે બેન્ક ઓફ ઇન્ડિયા શાખામાંથી રૂા. 49,000 ઉપાડી થેલીમાં મૂકી અનાજ માર્કેટ મગળવારીમાં જવા નીકળ્યા હતા. દરમિયાન એક લૂંટારુંએ અર્જુનસિંહ સાથે ઝપાઝપી કરી રૂપિયા ભરેલી થેલીની લૂંટ કરી કંજરી રોડ તરફ ભાગી ગયેલ લોકોએ તેનો પીછો કરતા લૂંટારું કંજરી રોડ ભાવિન સોસાયટી નજીકથી રૂપિયા ભરેલી થેલી સાથે ઝડપાઇ ગયો હતો. ઘટનાની જાણ થતા હાલોલના તત્કાલીન પીઆઇ એન.કે ડાભી ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
ઝડપાયેલા લૂંટારુંનું નામ પૂછતાં તેને પોતાનું નામ પિયુષકુમાર પુનમભાઈ પરમાર ઉ.26 રહે ગાયત્રી નગરી ખાતે રહેતો હોવાનું જણાવતા પોલીસે પિયુષ વિરુદ્ધ લૂંટનો ગુન્હો નોંધી તટસ્થ તપાસ કરી જરૂરી પુરાવા સાથે હાલોલ એડી ચીફ જ્યુ. કોર્ટમાં ચાર્જસીટ દાખલ કરી હતી. કોર્ટમાં કેસ ચાલી જતા સરકારી વકીલ ડી.એન શર્માની ધારદાર દલીલોના અંતે જજ પી.એ માલવીયાએ આરોપી પિયુષ પુનમભાઈ પરમારને કસૂરવાર ઠેરવી 5 વર્ષની સખત કેદની સજા અને રૂા.2 હજારનો દંડ અને દંડ ન ભરેતો વધુ 6 માસની સાદી કેદની સજાનો હુકમ કરાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.