જર્જરિત શિક્ષણધામ જોખમી:કાલોલની અલવા પ્રાથમિક શાળાના ઓરડાઓ ખખડધજ હાલતમાં, શિક્ષકના ઘટથી બે ધોરણોને સાથે બેસાડવામાં આવે છે

હાલોલ23 દિવસ પહેલા
  • 25 વર્ષમાં શાળાઓના ભૌતિક સુધાર પાછળ કરોડો વેડફયા પછી પણ જૈસે થે
  • પાંચ ગામોના બાળકો મેળવે છે શિક્ષણ

'ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત' તસ્વીરમાં દેખાતા આ દ્રશ્યો છે, પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાની પ્રાથમિક શાળાના મુખ્ય પાંચ ઓરડાઓ શાળાની સ્થાપના થઇ ત્યારના એટલે કે 1934 ના છે. 25 વર્ષથી શિક્ષણ સુધારા માટે કરવામાં આવતા પ્રયાસોના ભાગરૂપે આ શાળા પાસે બે નવા પાકા ઓરડાઓ અને બે સીંટેક્ષના ફાઇબરના ઓરડાઓ છે. જેની હાલત ખરાબ છે છતાં બાળકો બેસીને શિક્ષણ લઈ રહ્યાં છે.

અલવા, ઝીલીયા, દેવ છોટિયા, ફતેપુરી, અને ડુંગરીપૂરા ગામના 250 જેટલા બાળકો અહીં આવેલી ધોરણ 1 થી 8 ની પ્રાથમિક શાળામાં શિક્ષણ મેળવી રહ્યાં છે. 10 શિક્ષકોના મહેકમ સામે 09 શિક્ષકો અહીં શૈક્ષણિક કાર્ય કરાવી રહ્યા છે. ઉચ્ચતર પ્રાયમરીના વિદ્યાર્થીઓ ગણિત-વિજ્ઞાન જેવા અગત્યના શિક્ષક નહીં હોવાથી આ વિષયોનું શિક્ષણ અન્ય શિક્ષકો પાસેથી મેળવી રહ્યા છે. શાળામાં 09 ઓરડાઓ તો પુરતા છે, પરંતુ આ ઓરડાઓમાં જુના 05 ઓરડાઓમાંથી બે જ ઓરડાઓ વપરાશ કરાઈ રહ્યો છે. ત્રણ ઓરડાઓ ક્ષતિગ્રસ્ત હાલતમાં છે, તો બાકીના બે ઓરડાઓ સીંટેક્ષના છે. તેમાં પણ પાણી પડે છે એટલે શિક્ષકોએ બાળકોને શાળાના ઓટલા ઉપર બેસાડી શૈક્ષણિક કાર્ય કરવું પડે છે. જુના જર્જરિત ઓરડાઓ ગમે ત્યારે પડે તેવી સ્થિતિ માં છે.

શાળાના આચાર્ય જણાવી રહ્યા છે, શાળા નવી બનાવવા ચારેક વર્ષથી દરખાસ્ત થઈ છે. પરંતુ હજી સુધી આ ઓરડાઓ ડિસમેન્ટલ કરવાનો હુકમ મળ્યો નથી. બાળકો અને શિક્ષકો જાનના જોખમે કામગીરી કરી રહ્યા છીએ. ઓરડાઓ પાડી દેવામાં આવે તેજ બાળકોના હિતમાં છે. અમને સતત અકસ્માતનો ભય રહે છે. ખાસ કરીને અત્યારે ચોમાસા દરમ્યાન જુના ઓરડાઓની કાચી દીવાલો ગમે ત્યારે ધસરાઇ પડે તો બાળકો નું શુ થાય?

સરકાર દ્વારા જુના ભાવથી ટેન્ડર બહાર પડવાથી કોઇ કોન્ટ્રાક્ટર ટેન્ડર ભરતુ નથી
પ્રાથમિક શાળાઓના જર્જરિત થઈ ગયેલા ઓરડાઓ પાડીને નવા બનાવવા માટેની પ્રક્રિયામાં ગાંધીનગર પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા જે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવે છે. તે ટેન્ડર દસ વર્ષ જુના ભાવ મુજબનું હોવાથી કોઈ કન્ટ્રક્શન કંપની કે કોન્ટ્રાક્ટર ટેન્ડર ભરતું નથી. ગાંધીનગરથી જે ટેન્ડર બહાર પાડવામાં આવે છે તે મટીરીયલ અને લેબરના નવા ભાવ મુજબ રિવાઇઝ કરવું પણ જરૂરી છે. જેથી કરી આવી જર્જરિત શાળાઓ નું નવીનીકરણ ઝડપી બની શકે.

શિક્ષકના ઘટથી બે ધોરણોને સાથે બેસાડવામાં આવે છે
અલવા પ્રાથમિક શાળાના આચાર્ય સંજય ગોસ્વામીએ જણાવ્યું છે કે અમારી શાળા નું ટેન્ડર મંજુર થાય તો અમારે આ જુના પાંચ ઓરડાઓ પાડી દેવા પડે. જેથી અહીં નવા ઓરડાઓનું બાંધકામ શરૂ થાય, આ સ્થિતિમાં શાળા પાસે નવ ઓરડાઓની જરૂરિયાત સામે માત્ર માત્ર ચાર જ ઓરડાઓ બાકી રહે. જેથી શાળાના વર્ગો ચલાવવા ગામમાં અન્યત્ર વ્યવસ્થા કરવાની થાય, ગામના સમાજ ઘર, પંચાયત કે કોઈના મકાનમાં શાળા ખસેડવી પડે તે અંગે વ્યવસ્થા કરવી પણ મુશ્કેલ છે. હાલ એક શિક્ષકની ઘટ વચ્ચે, પહેલું અને બીજું ધોરણ સાથે બેસાડવામાં આવે છે, તો ત્રીજું અને ચોથું ધોરણ પણ એક જ વર્ગખંડમાં સાથે બેસાડવામાં આવે છે. ધોરણ 8 ના બે વર્ગો પણ એકજ વર્ગખંડમાં સાથે બેસાડી અભ્યાસ કારવાઈ રહ્યો છે. જેથી બાળકો ના શિક્ષણ ઉપર પણ અસર થઈ રહી છે.

મધ્યાન યોજનામાંથી શાકભાજી જ ગાયબ
પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ અર્થે આવતા ગ્રામીણ બાળકોને શિક્ષણ સાથે બપોરે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર મળે તે માટેના સરકારના પ્રયાસો છતાં 'પીએમ પોષણ યોજના' હેઠળ બાળકોને સરકાર દ્વારા નક્કી કરાયેલા મેનુ મુજબનું ભોજન સંચાલકો આપી નથી રહ્યા અને આ બાબતે શાળાના આચાર્ય સહિતનો સ્ટાફ પણ ચુપકીદી સેવી રહ્યો હોય છે. અલવા પ્રાથમિક શાળાના બપોરના ભોજનના મેનુમાંથી શાકભાજી ગાયબ હોવાનું બાળકોને મળેલા ભોજન અને નાસ્તાની વિગતો જાણ્યા પછી સરકારનું મેનુ કાર્ડ જોતા જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...