કાલોલ તાલુકાના અલાલી ગામે આવેલ સૈકાઓ જૂની વાવ જર્જરીત હાલતમાં જોવા મળી રહી છે. ઝાડી ઝાંખરાઓ ઊગી જતા આ વાવના જળ સુકાઈ ગયા છે. પથ્થરોની ચટ્ટાનો ઊભી કરી કમાનોની રચનાઓ કરીને બનાવવામાં આવેલ આ વાવ ખૂબ જૂની હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.
આજુબાજુનાં ગામો આ વાવનાં પાણી ઉપયોગ કરતા
વણઝારી વાવ સાથે સરખાવવામાં આવતી આ વાવ ખૂબ પ્રાચીન છે. અહીં વર્ષો પહેલા ગ્રામજનો દ્વારા આ વાવનાં પાણીનો ઉપયોગ કરવામાં આવતો હતો. તેમજ આજુબાજુનાં ગામોનાં લોકો પણ આ વાવનાં પાણી ઉપયોગમાં લેતા હતા. કલાત્મક બાંધણી ધરાવતી આ વાવમાં પ્રવેશ દ્વારની પથ્થરની કમાન તોડી નાખવામાં આવી હોવાનું લોકો કહે છે. વીસેક ફૂટ જેટલું નીચે વાવમાં ઉતારવા માટે પણ પથ્થરનો ઉપયોગ કરી પગથિયાં બનાવવામાં આવેલા છે. આ પગથિયામાં વચ્ચે બંને તરફ દીવાલોમાં દેવ બેસાડવાના ગોખલા બનાવવામાં આવ્યા છે.
પાણી ભરવા માટે એક વ્યક્તિ પ્રવેશી શકે તેવી બારી
પગથિયા ઊતરી વાવનાં કૂવા સુધી પહોંચ્યા પછી બનાવવામાં આવેલ એક જ વ્યક્તિ પ્રવેશી શકે એવી બારીમાંથી કૂવામાં પ્રવેશ્યા પછી ગોળ નાના પગથિયાં બનાવવામાં આવેલા છે. પાણીનાં સ્તર નીચા હોય તો તેમાં જઈ ગાગર દ્વારા પાણી ભરાવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવેલી છે. પાણી ઉચા હોય તો નાની બારીમાંથી પાણી અંદર ઉતરવાના પગથિયામાં જમા થતું જેથી વાવ સુધી પહોંચ્યા પહેલા જ પાણી ભરી શકાતું.
વીસેક ફૂટ નીચે સુધી પથ્થરોથી બાંધેલી છે આ વાવ
જમીનથી વીસેક ફૂટ સુધી નીચે સુધી પથ્થરોની સિલાઓ દ્વારા કલાત્મક બાંધણી કરી જમીનથી ઉપર કમાનો બનાવવામાં આવેલી છે. વચ્ચે શિલાઓનાં પિલરો ઊભા કરી આડી શિલાઓ મૂકીને કોલમ બનાવી તેના ઉપર ફરી શિલાઓના બીમ બનાવવામાં આવ્યા છે અને તેના ઉપર પથ્થરો ગોઠવી ગોળાકાર કમાનો બનાવાયેલી છે. વર્ષો જતાં કૂવાની ફરતે ઊભા કરવામાં આવેલા બાંધકામને મરામત કરી પાણી ભરવા માટે ચાકરીઓ લગાવવા આવી હતી. પાટલા ઈંટો દ્વારા ચુના પથ્થરનાં પાવડરનો ઉપયોગ કરી ચણતર કરીને ઉભી કરવામાં આવેલી આ વાવની સંભાળ જરૂરી છે.
છેલ્લા દસેક વર્ષથી વાવનાં જળ સુકાઈ ગયા છે
અહીંના સ્થાનિક રહીશો વાવમાં બેસાડવામાં આવેલ ગેલબાઈ માતાની પૂજા અર્ચના કરે છે અને સંયુક્ત રીતે વર્ષમાં એક વાર યજ્ઞ પણ કરવામાં આવે છે. અહી ગેલબાઇ માતાની નિયમિત પૂજા લોકો કરતાં ત્યાં સુધી વાવનાં પાણી ભરપૂર રહેતા હતા. કાળક્રમે પાણીની વૈકલ્પિક વ્યવસ્થાઓ વિકાસ વધતા ઉભી થવા પામી હતી. જેથી લોકોને વાવનાં પાણીની જરીઆત ઘટી જતા પૂજા અર્ચના પ્રત્યે લોકોની શ્રદ્ધા ઓછી થવા પામી આજે પણ પૂજા અર્ચના કરવામાં આવે છે. પરંતુ છેલ્લા દસેક વર્ષથી વાવનાં જળ સુકાઈ ગયા છે.
ઐતિહાસિક વાવોને બચાવી તેને સક્રિય કરવાની જરૂરીયાત છે
અતિ પ્રાચીન સૈકાઓ જૂની વાવ છે, અત્યારે ઝાડી ઝાંખરા ઊગી ગયા છે. તે સાફસૂફ કરાવવામાં આવે તેવું સ્થાનિકો કહી રહ્યા છે. ભૂતકાળમાં રાજ્ય સરકાર દ્વારા આવી ઐતિહાસિક વાવની મરામત અને જાળવણી માટે નાણાકીય સહાય આપવામાં આવતી હતી. જિલ્લા પંચાયતો દ્વારા આવી વવોની સફાઈ કરી રંગરોગાન પણ કરવામાં આવ્યું હતું. અત્યારે પણ સરકારે ગામડાઓમાં નામશેષ થઈ રહેલી આવી પ્રાચીન ઐતિહાસિક વાવોને બચાવી તેને સક્રિય કરાય તે દિશામાં પગલાં લેવા જોઈએ તે જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.