હાલોલમાં ચાર દિવસ વિવિધ મનોરથ:વૈષ્ણવ સંપ્રદાય દ્વારા નિર્માણાધિન હવેલીમાં ઠાકોરજીની પધરામણી થશે; 90 વર્ષ જૂની હવેલીના સ્થાને મોટી, કલાત્મક હવેલી બનાઈ

હાલોલ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

હાલોલ શહેરમાં આવેલી વૈષ્ણવ સંપ્રદાયની શ્રી છગન મગન લાલજીની પ્રાચીન હવેલીનું છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલું નવ નિર્માણ કાર્ય પૂર્ણ થતાં આ જૂની હવેલીના સ્થાને નવ નિર્મિત આકર્ષક અને કલાત્મક હવેલીમાં પુનઃ ઠાકોરજીની પધરામણી કરવાના ચાર દિવસ ચાલનારા કાર્યક્રમને લઈ હાલોલના સમસ્ત વૈષ્ણવોમાં આનંદ ઉત્સાહ જોવા મળે છે. હવેલીને શણગારવામાં આવી છે, આજથી ચાર દિવસ સુધી નવનિર્મિત હવેલી ખાતે શોભાયાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમ, નંદમહોત્સવ અને વિવિધ મનોરથો જેવા વિવિધ કાર્યક્રમો ઉજવાશે.

જૂની હવેલી એ છોટે કાકરોલી તરીકે ઓળખાતી
હાલોલ શહેરના મંદિર ફળિયામાં 90 વર્ષ પહેલાં વૈષ્ણવ સમાજ દ્વારા બનાવવામાં આવેલી હવેલીમાં ઠાકોરજીની પધરામણી કરવામાં આવી હતી. સમયાંતરે આ વિસ્તારની એક માત્ર જૂની હવેલી એ છોટે કાકરોલી તરીકે ઓળખ બનાવી હતી. અત્રે એ સમયે જૂજ વૈષ્ણવો હતા, આજુબાજુના અનેક જિલ્લાઓમાં વસેલા વૈષ્ણવો પણ અહીં ઠાકોરજીના દર્શને આવતા હતા.

ઠાકોરજીની પધરામણી વાજતે ગાજતે કરાશે
90 વર્ષથી વધુનો સમય અને એ સમયને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી હવેલી જર્જરિત થઈ હતી અને વૈષ્ણવોની સંખ્યામાં પણ વધારો થતાં આ નાની હવેલી આજે મોટી કરવાની જરૂરિયાત ઉભી થતા હાલોલ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો દ્વારા હવેલીનું પુનઃ નિર્માણ છેલ્લાં ચાર વર્ષથી લાખો રૂપિયાના ખર્ચે કરવામાં આવી રહ્યું હતું. જે પૂર્ણ થતા મંદિર ટ્રસ્ટ તથા વૈષ્ણવો દ્વારા ઉજવણી કરવામા આવનાર છે. આજથી ચાર દિવસ ચાલનારા મહાઉત્સવ દરમિયાન નવ નિર્માણ પામેલી હવેલીમાં ઠાકોરજીની પધરામણી વાજતે ગાજતે કરવામાં આવશે.

શોભાયાત્રા વાજતે ગાજતે નિકળશે
મહાઉત્સવ પૂર્વે 2 ડિસેમ્બરથી 11 ડિસેમ્બર સુધી હાલોલના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચાર સાથે શ્રીમદ્ ભાગવતજીનું પારાયણ કરવામાં આયુ હતું. જે પ.પૂ. ગોસ્વામી 108 વ્રજેશકુમારજી મહારાજશ્રીની કૃપા આશીર્વાદ તેમજ તેમની ઉપસ્થિતિમાં સંપન્ન કરવામાં આવશે. 11મી ડિસેમ્બર એટલે કે આજે રવિવારનાં રોજ શ્રી છગન મગન લાલજીની શોભાયાત્રા વાજતે ગાજતે હાલોલના મંદિર ફળીયાથી નીકળી હાલોલ નગરનાં મુખ્ય માર્ગો ઉપર નીકળશે. જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાશે. આ મહાઉત્સવમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

ઠાકોરજી નવી હવેલીમાં બિરાજમાન થશે
આજે રવિવારે બપોરે શોભાયાત્રા, રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમમાં સચિન લીમટો દ્વારા પ્રસ્તુત ભજન સંધ્યા કરવામાં આવશે. આવતી કાલે સોમવારે સવારે નંદ મહોત્સવ, સાંજે શાયન મનોરથ, અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ રાસગરબા યોજવામાં આવશે. મંગળવારે સવારે રાજભોગ, સાંજે બડોમનોરથ, રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમમાં કાજલ ઓઝા વૈદ્ય દ્વારા શ્રી કૃષ્ણ ચરિત્રની પ્રસ્તુતિ કરવામાં આવશે. બુધવારે સવારે રાજભોગ અને સાંજે ગૌચરણ જેવા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ઠાકોરજી નવી હવેલીમાં બિરાજમાન થશે.

સમસ્ત વૈષ્ણવોમાં આનંદ અને ઉત્સાહ
એનઆરઆઈ પાર્થ કિરણભાઈ (ભુરિયાભાઈ) શાહ પરિવાર મુખ્ય મનોરથી તરીકે ઉપસ્થિત રહેશે. આ મહાઉત્સવના યજમાનીમાં લાખો રૂપિયાના ખર્ચે નવનિર્માણ પામેલી આકર્ષણ અને કલાત્મક હવેલીમાં ઠાકોરજીની પધરામણીને લઈ હાલોલ શહેરમાં વસેલા અલગ અલગ સાંપ્રદાયના સમસ્ત વૈષ્ણવોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...