સરકારી દફતર આગમાં સ્વાહા:હાલોલમાં ભાજપના ઘરની ગ્રામ પંચાયતમાં આગ લાગતા અટકળોનું બજાર ગરમાયુ; આગનું કારણ અકબંધ

હાલોલએક મહિનો પહેલા

હાલોલ તાલુકાની કંજરી ગ્રામપંચાયત ભવનમાં આગ લાગતા સરકારી દસ્તાવેજોના કાગળો બળીને ભસ્મ થઈ જવા પામ્યાં છે. નવા બનાવવામાં આવેલા પંચાયત ભવનમાં આગ લાગતા દોડધામ મચી હતી. હાલોલ પાલિકાના ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો. જો કે ધીરે ધીરે આગ આખી પંચાયતના દસ્તાવેજોમાં પ્રસરી જતા આખી પંચાયતનું દફતર બચી શક્યું ન હતું.

પોલીસ આગ લાગવાનું સાચું કારણ તપાસવાના કામે લાગી
કંજરી ગ્રામપંચાયતની કચેરીમાં અચાનક આગ લાગતા દોડધામ મચી હતી. હાલોલ વિધાનસભાના સીટીંગ ધારાસભ્ય અને સામે આવી રહેલી ચૂંટણીઓમાં સત્તા પક્ષના કેટલાક કાર્યકરોના અનેક વિરોધ અને અસંતોષ વચ્ચે પણ ટિકિટ મેળવવામાં સફળ રહેલા જયદ્રથસિંહ પરમારના હોમ ટાઉનની ગ્રામ પંચાયતમાં આગ લાગતા ગ્રામપંચાયતના તમામ દસ્તાવેજો આગમાં બળીને ભસ્મ થઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ હાલોલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ લાગવાનું સાચું કારણ તપાસવાના કામે લાગી હતી.

હાલોલ ફાયર ફાઇટરને જાણ કરવામાં આવી
સવારે અચાનક લાગેલી આગને પગલે ધુમાડાના ગોટા નીકળતા હાલોલ ફાયર ફાઇટરને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી કચેરીના બિલ્ડીંગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જો કે ત્યાં સુધીમાં તમામ દસ્તાવેજના કાગળો આગમાં સ્વાહા થઈ જવા પામ્યાં હતા. ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય પદના ભાજપના ઉમેદવાર જયદ્રથસિંહ પરમાર, સ્થાનિક સરપંચ, સાથે વહીવટી તંત્રના તલાટી અને આસિસ્ટન્ટ તાલુકા વિકાસ અધિકારી પહોંચ્યા હતા.

FSLની મદદ લેવામાં આવનાર હોવાનું પણ જાણવા મળ્યું
હાલોલ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી ચૂંટણીલક્ષી મિટિંગમાં હોવાથી આસિસ્ટન્ટ ટીડીઓ અને તલાટીએ ગ્રામપંચાયતમાં લાગેલી આગ અંગે પંચકયાસ કરી પોલિસ ફરિયાદ નોંધાવવા અંગેની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા એફએસએલની મદદ લેવામાં આવનાર હોવાનું પણ જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...