ઘોઘંબામાં ત્રાટકેલા બુકાની ધારી તસ્કરોએ એક ઇલેક્ટ્રિક મોટર રિવાઈન્ડિંગની દુકાનનું શટર તોડી નિશાન બનાવી હતી. દુકાનમાં પ્રવેશેલા તસ્કરોએ રોકડ અને સામાન મળી ત્રણ લાખ રૂપિયા જેટલી રકમની તસ્કરી કરતા રાજગઢ પોલીસ અને રહીશોની ઠંડી ઉડી જવા પામી છે. વહેલી સવારે ત્રણ વાગ્યા પછી ત્રાટકેલા તસ્કરોની તસ્કરી સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી. દુકાનદારે સવારે પોલીસને જાણ કરતા પોલીસે બનાવ સ્થળે મુલાકાત લીધી હતી.
થોડા દિવસથી ઠંડી પોતાનો ચમકારો બતાવી રહી છે. ત્યારે રાત્રીના રાજા તસ્કરોને ફાવતી મોસમ આવી હોય તેવું જિલ્લામાં અનેક ઠેકાણે બની રહેલી તસ્કરીની વારદાતો જોતા ચોક્કસ લાગી રહ્યું છે. હાલોલ હોય કાલોલ હોય કે ઘોઘંબા તસ્કરો એ ચોરી કરવામાં ક્યાંય કસર રાખી નથી. ગત રાત્રે ઘોઘંબામાં આવેલા શિવ ઇલેક્ટ્રિક નામની દુકાનનું શટર તોડી બુકાની ધારી તસ્કરો ત્રાટક્યા હતા. દુકાનમાં સામાન અને રોકડ રકમ મળી ત્રણેક લાખ રૂપિયાની તસ્કરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા.
ઘોઘંબાથી પાવાગઢ અને દેવગઢ બારીયા તરફ જતા ત્રણ રસ્તા ઉપર આવેલા રાજગઢ પોલીસની ચેક પોઇન્ટની તદ્દન નજીકમાંજ આવેલી દુકાનને તસ્કરોએ નિશાન બનાવતા રાજગઢ પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે. દુકાનદાર વિનોદ તખતસિંહ રાઠોડની શિવ ઇલેક્ટ્રિક અને મોટર વાઈન્ડિંગની દુકાનમાં ગત રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. દુકાનમાં રાખવામાં આવેલા નવા સબમર્સીબલ, અને રીપેરીંગમાં આવેલા પમ્પ સહિત કોપરના વાઈન્ડિંગ વાયરો તસ્કરો ઉઠાવી જતા દુકાનદારને અંદાજીત ત્રણેક લાખ રૂપિયાનું નુકશાન થવા પામ્યું છે.
દુકાન નજીક ચાની લારી ચલાવતા ચા વાળાએ દુકાન નું શટર અધખુલ્લુ જોતા ફોન કરી દુકાનદારને જાણ કરી હતી. દુકાનદારે આવીને જોતા કેટલોક નવો અને જૂનો રીપેરીંગમાં આવેલો સામાન ગાયબ હતો. તસ્કરોએ શટરનો નકુચો તોડી અંદર પ્રવેશ્યા હતા. ત્રણ તસ્કરોએ મોઢા અને માથા ઉપર કપડું બાંધેલું હોવાનું અને અડધું શટર ખોલી દુકાનમાંથી સામાન લઈ જતા દુકાનના સીસીટીવીમાં જોવા મળ્યા હતા. દુકાનદારે રાજગઢ પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે મુલાકાત લીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.