હર હર મહાદેવ:હાલોલ શહેરના શિવાલયો ભક્તોથી ગુંજી ઉઠ્યા, શ્રાવણ માસના પહેલા સોમવારે શિવાલયોમાં ભારે ભીડ ઉમટી

હાલોલ7 દિવસ પહેલા
  • અન્ય બે કૃષ્ણ મંદિરોમાં પણ હિંડોળા દર્શન ચાલી રહ્યા હોવાથી નગરનું વાતાવરણ ભક્તિમય બન્યું

આજે પવિત્ર શ્રાવણ માસનો પહેલો સોમવાર હોવાથી હાલોલ શહેરના શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. સવારે ભક્તો શિવાલયોમાં દર્શન કરી બીલપત્ર અને ફુલહાર ચઢાવી દૂધ પાણીનો અભિષેક કરતા નજરે ચડ્યા હતા.

શિવાલયો હર હર મહાદેવના નારાથી ગુંજી ઉઠ્યા
શ્રાવણ માસ દરમ્યાન શિવભક્તોમાં સોમવારનું અનેરું મહત્ત્વ હોય છે. સોમવારે લગભગ ભક્તો ઉપવાસ કરતા હોય છે અને વહેલી સવારથી શિવાજીની ભક્તિમાં લિન થઈ જતા હોય છે. હાલોલના શિવાલયોમાં વહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળી હતી. ભક્તો સવારથી જ બીલપત્ર, દૂધ અને પાણી લઈ શિવાલયોમાં પહોંચ્યા હતા અને મહાદેવની આરાધના કરી હતી. શિવજીને ધાતુરા નું ફૂલ અતિ પ્રિય હોઈ કેટલાક ભક્તો પૂજન સામગ્રી સાથે ધતુરાના ફળ અને ફૂલ લઈ શિવજીને અર્પણ કર્યા હતા. આમ તો મહાદેવ ની પૂજા ભક્તો આખું વર્ષ કરતા જ હોય છે પરંતુ શ્રવણ માસ દરમ્યાન કરવામાં આવતી મહાદેવ ની ભક્તિ અનોખી હોય છે. પવિત્ર શ્રાવણ દરમ્યાન દેશભરના શિવાલયો હર હર મહાદેવના નારાથી ગુંજી ઉઠતા હોય છે, ગુજરાતમાં અન્ય રાજ્યો કરતા 15 દિવસ મોડી શ્રાવણની શરૂઆત થતી હોય છે.

ભક્તોએ મન મૂકીને શિવજીને રિઝવવા ભક્તિ કરી
હાલોલના પાવાગઢ રોડ ઉપર આવેલ પૌરાણિક શિવાલય શારણેશ્વર, વડોદરા રોડ ઉપર આવેલ ભીમનાથ મહાદેવ, અને કંજરી રોડ ઉપર આવેલ નીલકંઠ મહાદેવ સહિતના મંદિરો આજે મહાદેવના જયઘોષથી ગાજી ઉઠ્યા હતા. ભક્તોએ મન મૂકીને શિવજીને રિઝવવાની ભક્તિ કરી હતી. હાલોલના અન્ય બે કૃષ્ણ મંદિરોમાં પણ હાલ હિંડોળા દર્શન ચાલી રહ્યા હોય સમગ્ર નગરનું વાતાવરણ ભક્તિમય બનેલું જોવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...