ઐતિહાસિક સ્મારકોની સુરક્ષા ઉપર તોળાયું જોખમ:પાવાગઢમાં સુરક્ષાગાર્ડના જવાનો હડતાળ ઉપર ઉતર્યા; 15 જેટલા સ્મારકોની સુરક્ષા અત્યારે રામ ભરોસે, પુરાતત્વ વિભાગે ચૂપી સાધી

હાલોલએક મહિનો પહેલા

ઐતિહાસિક સ્મારકોની નગરી તરીકે ઓળખાયેલા પાવાગઢની 15 જેટલી ઐતિહાસિક ધરોહરો ઉપર તોળાયું જોખમ, સિક્યુરિટી એજન્સીના કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરી જતા સ્મારકોની સુરક્ષા જોખમાઈ છે. હાલ 15 જેટલા સ્મારકોની સુરક્ષા રામભરોસે છે.

પાવાગઢના ઐતિહાસિક સ્મારકોને પુરાતત્વ વિભાગે દ્વારા વૈશ્વિક ધરોહર તરીકે જાહેર કર્યા પછી કરોડો રૂપિયાનું પાણી આ ઐતિહાસિક ધરોહરોની સુરક્ષા અને જાળવણી પાછળ દર વર્ષે કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે અહીંના 15 જેટલા સ્મારકો ઉપર સિક્યુરિટીની જવાબદારી સંભાળી રહેલા સિક્યુરિટી ઇન્ટેલિજન્સ સર્વિસ નામની દિલ્હી સ્થિત સંસ્થા અને તેઓના કર્મચારીઓ વચ્ચેની માથાકૂટમાં તમામ કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરી જતા અહીંની વૈશ્વિક ધરોહરો ધણી વગરની થઈ ગઈ હોવાનું જોવા મળી રહ્યું છે. આ સ્મારકોની દેખરેખ અને જાળવણી રાખવા માટે પુરાતત્વ વિભાગના કર્મચારીઓ અધિકારીઓ છે, પરંતુ તેઓ માટે આ વૈશ્વિક ધરોહરોનું ઐહસિક મૂલ્ય નહિવત હોય તેવું તેમની કામગીરી જોતા લાગી રહ્યું છે. સુરક્ષાની જવાબદારી ખાનગી સિક્યુરિટી છે અને તેઓ હડતાળ ઉપર હોવા છતાં સિક્યુરિટી વગર જ તમામ સ્મારકો ખુલ્લા રાખવામાં આવ્યા છે. તમામ સ્મારકોને કોઈ નુકશાન કે હાનિ પહોંચે છે તો જવાબદાર કોણ ? એવું પૂછતાં અધિકારીઓ કાંઈ જવાબ આપી શક્યા ન હતા.

પાવાગઢ અને આજુબાજુના ગામડાઓમાં રહેતા 26 કર્મચારીઓ SIS સિક્યુરિટી ગાર્ડની કામગીરી છેલ્લા દશકાથી સંભાળી રહ્યા છે અને 07 ગનમેન પણ છે. જે પૈકી 10 જેટલા સિક્યુરિટી ગાર્ડને સિક્યુરિટી કંપની દ્વારા ચૂકવવાના થતા પીએફના નાણાંને લઈ માથાકૂટ થઈ છે. કંપનીએ કામદારોના આધાર અપડેટનું બહાનું કાઢી ફરજ ઉપરથી કોઈપણ જાતની નોટિસ કે જાણ કર્યા વગર ગ્રુપ મેસેજ કરી છુટા કરવાનું જણાવતા આજે તમામ કર્મચારીઓ હડતાળ ઉપર ઉતર્યા છે.

સિક્યુરિટી મેનેજર દ્વારા પણ સિક્યુરિટી ગાર્ડને ગનમેનની કામગીરી કરાવી અન્યાય કરાતો હોવાનું કર્મચારીઓ જણાવી રહ્યા છે. સાત પૈકી બે ગનમેન અન્યત્ર ફરજ બજાવી રહ્યા છે છતાં તેઓને અહીં હાજર બતાવી અન્ય સિક્યુરિટી ગાર્ડના કર્મચારીઓ પાસે ગનમેન જેવી અગત્યની જગ્યા ઉપર કામગીરી કરાવવામાં આવે છે. આવા જ એક ગાર્ડને પણ નોકરીની હાજરી વધી જતી હોવાનું બહાનું બતાવી છૂટો કરવાનો મેસેજ મળતા કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરી જતા હાલ તમામ સ્મારકોની સુરક્ષા રામ ભરોસા ઉપર ટકી છે.

છેલ્લા 12 વર્ષથી ઐતિહાસિક સ્મારકોની રક્ષા કરતા દસ સિક્યુરિટી ગાર્ડના પીએફ ખાતા સાથે આધાર અપડેટ નથી થવાનું જણાવી પીએફ માટે નવો યુએનએ નંબર લો અથવા ઘરે બેસી જાવનું તઘલખી ફરમાન કરવામાં આવતા હજી બાકીના 16 કામદારોની ફરજ ઉપર પણ જોખમ તોળાઈ રહ્યું છે. ફરજ અને પીએફ માટે નવો યુએનએ નંબર લેવામાં આવે તો જુના તમામ લાભો નહીં મળે, દસ વર્ષનું પીએફ પણ મળે તો મળે તેવું પણ એજન્સીએ જણાવતા તમામ કામદારોના માથે બેરોજગારીનું ચક્રવાત આવી પડ્યું છે. ગમે તે હોય પરંતુ દર અઠવાડિયે લાખો પ્રવાસીઓ અહીં આવે છે. ત્યારે વૈસ્વીક ધરોહરસમાં સ્મારકોની સુરક્ષા પણ જોખમાઈ છે. એજન્સી અને કર્મચારીઓ વચ્ચેની લડાઈમાં સ્મારકોનું હિત સચવાય તે પણ એટલુંજ જરૂરી છે.

કર્મચારીઓને છેલ્લા પાંચ વર્ષથી પગાર વધારો નથી મળ્યો અને પગાર પણ નિયમિત નથી થતો. કોરોના કાળમાં અમારી પરિસ્થિતિ બગડી હતી છતાં પણ અમે કોઈ જાતના વિરોધ વચ્ચે નિયમિત ફરજ બજાવી છે. છતાં એજન્સી અમો સ્થાનિકોને કાઢી મુકવા ષડયંત્ર રચી રહી હોવાનું કર્મચારીઓ જણાવી રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...