હાલોલમાં જાહેરનામાનો ભંગ:શહેરમાં દોરી પાકી કરવા ખુલ્લેઆમ વપરાય છે રેતી અને કાચ ની ભૂકી; ચાઈનીઝ દોરી સાથે એક ઝડપાયો

હાલોલ25 દિવસ પહેલા

ઉતરાયણ નજીક અવાઈ રહી છે. ત્યારે હાલોલ શહેરમાં અને તાલુકામાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરનારાઓ પોતાનો ધંધો ચોરી છુપી રીતે કરી રહ્યા છે. ખુલ્લેઆમ જાહેરમાં દોરી પાકી કરવા સરસ, ફેવિકોલ જેવા પદાર્થ સાથે કાચની ભૂકીનો ઉપયોગ કરી દોરી પીવડાવવામાં આવી રહી છે. જાહેરનામાનો ભંગ કરાઈ રહ્યો છે. ત્યારે હાલોલના આઇ.ડી.સી વિસ્તારમાંથી પોલીસે ચાઈનીઝ દોરી સાથે એકને ઝડપી પાડ્યો છે. જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરી આવી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે ઝડપાયેલા યુવક પાસેથી પોલીસે 7600/- રૂપિયાની દોરી કબ્જે કરવામાં આવી છે.

ઉતરાયણને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે હાલોલ શહેરમાં પતંગ અને દોરીના બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે. પતંગરસિકોની દોરી ખરીદવા અને પીવાડાવવા ભારે ભીડ વચ્ચે કેટલાક તકવાદી વેપારીઓ અને દુકાનદારો પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું ગેરકાયદે વેચાણ ચોરી છુપી કરી લેતા હોય છે. ઉતરાયણનો પર્વ ઉજવવા પતંગ ઉડાડવા માટે રસિકો નાયલોન અને સિન્થેટિક દોરી ખરીદી તેના ઉપર કાચ, તથા બારીક રેતીના દળનો ઉપયોગ કરી દોરીને પાકી કરી પતંગ ઉડાડતા હોય છે. આ કાચવાળી પાકી દોરીથી અનેક અકસ્માતો થતા હોય છે, રાહદારીઓ સહિત આકાશમાં ઉડતા પક્ષીઓની પાંખ કપાઈ જવાના બનાવો બનતા હોય છે. જેથી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આવા કાચના ઉપયોગથી પીવડાવવમાં આવતી દોરીની પ્રક્રિયા ઉપર અને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવતું હોવા છતાં હાલોલમાં આવી પ્રવૃત્તિઓ જાહેરમાં કરાઈ રહી છે.

દોરી પાકી કરવાની હોડમાં અનેક દુકાનદારો જાહેરમાં દોરીમાં સરસ, ફેવિકોલ જેવા પદાર્થ સાથે કાચ, અને રેતીના બારીક ભૂકાનો ઉપયોગ કરી દોરી પાકી કરવાની કામગીરી કરી રહ્યા છે. ત્યારે પોલીસે દેખાડા પૂરતી કામગીરી કરવા જીઆઇડી વિસ્તારમાંથી એક યુવક ને 7600/- રૂપિયાની ચાઈનીઝ દોરી સાથે ઝડપી પાડ્યો છે. હાલોલના ગણેશ નગર જીઆઇડીસી વિસ્તારમાં રહેતા ઘનશ્યામભાઈ સંજયભાઈ પરમાર ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત હોવા છતાં ચાઈનીઝ દોરાનો વેચાણ કરતો હોવાનું પોલીસને માલુમ પડતા પોલીસે ઘનશ્યામભાઈ પરમાર નામના યુવકને ચાઈનીઝ દોરીની 20 રીલ જેની કિંમત અંદાજીત 7600/- રૂપિયાની થાય છે. તેની સાથે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ચાઈનીઝ દોરા સાથે પોલીસના હાથે એક વેપારી ઝડપાઇ ગયાની વાત ફેલાતા આવા દોરાનું વેચાણ કરતા વેપારીઓમાં ફાફડાટ વ્યાપી જવા પામ્યો છે. પાલિકા દ્વારા પણ આ પક્ષી બચાવ અભિયાન અને અકસ્માત નિવારણ માટે દોરી પીવાડાવતા વેપારીઓને ત્યાં ચેકીંગ હાથ ધરી તેઓએ બનાવેલી લુદ્દીની ચકાસણી કરવી જોઈએ. જેથી કાચ જેવા પદાર્થનો ઉપયોગ દોરી પાકી કરવા ન થાય.

અન્ય સમાચારો પણ છે...