બોગસ સરપંચનો પર્દાફાશ:ગોધરાના મડા મહુડીના સરપંચ સામે કાર્યવાહી; પોલીસ તપાસના અહેવાલમાં ઉકેલાયો ભેદ

હાલોલ25 દિવસ પહેલા

ગોધરા તાલુકાના 2021ની ગ્રામ પંચાયતોની યોજાયેલ ચૂંટણીઓમાં મડા મહુડી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદે વિજેતા થયેલા મહિલા સરપંચ રંગીતાબેન સંજયભાઈ તડવીનું અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર બોગસ હોવાનું પોલીસ તંત્રની આ તપાસનો અહેવાલ પોલીસ અધિક્ષકને સુપ્રત કરવામાં આવ્યો હોવાની ખબરોથી મડા મહુડી ગામના પ્રજાજનોમાં ન્યાય મળશેનો આનંદ પ્રસરી જવા પામ્યો છે. જ્યારે અનુસૂચિત જનજાતિના બોગસ પ્રમાણપત્રના આધારે સરપંચ બનનારા રંગીતાબેન તડવી ફરતે કાયદેસર કાર્યવાહીનો સંકજો વધુ મજબૂત બને એવી શક્યતાઓ શરૂ થવા પામી છે.

ગોધરા તાલુકાના મડા મહુડી ગ્રામ પંચાયતની ગત ડિસેમ્બરમાં યોજાયેલ ચૂંટણીમાં સરપંચ પદ માટે આદિજાતિ સ્ત્રી અનામત બેઠક ઉપર તડવી રંગીતાબેન સંજયભાઈએ ઉમેદવારી પત્ર ભર્યુ હતું. એમાં તા.13-11-1999ના રોજ પ્રમાણપત્ર નં.4289 અનુસૂચિત જન જાતિના પ્રમાણપત્રને સામેલ કર્યુ હતું. જાતિ પ્રમાણપત્ર અંગેના ગ્રામજનોના ભારે વિરોધ વચ્ચે મડા મહુડીના સરપંચ પદે રંગીતાબેન તડવી ચૂંટાઈ આવ્યા હતા. જો કે મડા મહુડીના સરપંચ પદે વિજેતા થયેલા રંગીતાબેન તડવીનું જાતિ પ્રમાણપત્ર બોગસ હોવાની અરજદાર ફતેહસિંહ મોહનીયાની આ રજુઆત સામે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકમાં તપાસ માટે પહોંચી હતી. આ સંદર્ભમાં પી.એસ.આઈ. એમ.આર.મહોનીયા દ્વારા તકેદારી અધિકારી ગોધરા પાસેથી અનુસૂચિત જનજાતિના 13-11-1999ના રોજ પ્રમાણપત્ર નં 4289 અંગે માંગવામાં આવેલ અહેવાલમાં ગોધરા તકેદારી અધિકારી દ્વારા આ તારીખે કોઈપણ પ્રમાણપત્ર આપવામાં આવ્યા નથી. પરંતુ પ્રમાણપત્ર નંબર 4289 તા.01-06-2000ના રોજ મુડવાડા મુકેશભાઈ સોમાભાઈ રહે.ચૂંદડી, તાલુકો લીમખેડાના નામે નોંધાયેલ હોવાનો લેખિત પુરાવાઓ સાથેનો અભિપ્રાય પોલીસ સમક્ષ રજુ કર્યો હતો.

આ સંદર્ભમાં ગોધરા બી ડીવીઝનના તપાસ અધિકારી દ્વારા લીમખેડા તાલુકાના ચૂંદડી ગામના મુકેશભાઈ સોમાભાઈ મુડવાડાનો લેખિત જવાબ લઈને પ્રમાણપત્ર નં.4289ની ખરાઈ પણ કરી હતી. આ જાતિ પ્રમાણપત્ર અંગે કરવામાં આવેલ તપાસ સંદર્ભમાં ગોધરા બી ડીવીઝન પોલીસ મથકના પી.આઈ. પી.કે.અસોડાએ મડા મહુડી ગામના રંગીતાબેન સંજયભાઈ તડવીએ ગ્રામ પંચાયતની યોજાયેલ ચૂંટણીમાં ગોધરા મામલતદાર કચેરીમાં સરપંચ પદની ઉમેદવારીમાં અનુસૂચિત જનજાતિનું બોગસ પ્રમાણપત્ર રજૂ કરીને ઉમેદવારી પત્ર ભર્યુ. આ પ્રાથમિક તપાસમાં ગુન્હો કર્યો હોવાનું જણાઈ આવતું હોઈ આ સંદર્ભમાં કરવામાં આવેલ તપાસનો અહેવાલ પંચમહાલ પોલીસ અધિક્ષકને અંદાઝે બે મહિના પૂર્વે મોકલી આપવામાં આવ્યો હોવાની ખબરો સાંભળ્યા બાદ મડા મહુડીના ગ્રામજનો આનંદમાં છે. પરંતુ બોગસ જાતિ પ્રમાણપત્રના આધારે સરપંચ બનેલા રંગીતાબેન તડવી સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી પ્રતિક્ષાઓમાં પણ છે.!!

અન્ય સમાચારો પણ છે...