ઘરે જતા હતા અને રસ્તામાં કાળ ભરખી ગયો:હાલોલની કૃપાલું હાઈસ્કૂલના આચાર્યનું અકસ્માતે મોત, ફરજ ઉપરથી એક્ટિવા લઈ ઘરે પરત ફરી રહ્યા હતા

હાલોલ10 દિવસ પહેલા
  • મોટરસાયકલ તેઓની એક્ટિવ સાથે અથડાતા તેઓ સ્કૂટર ઉપરથી ફંગોળાઈ રોડ ઉપર પટકાયા
  • ફરજની વય નિવૃત્તિમાં માત્ર 10 માસની નોકરી જ બાકી હતી

હાલોલની જ્યોતિનગર સોસાયટીમાં રહેતા અને મસવાડની કૃપાલું માધ્યમિક શાળામાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવતા શિક્ષકનું ઘરે પરત ફરતા અકસ્માતમાં મોત નીપજ્યું હતું. માધ્યમિક શાળાના શિક્ષકનું મોત નિપજતા અનેક શિક્ષકો હાલોલ રેફરલ હોસ્પિટલ દોડી આવ્યા હતા.

બિલિયાપુરા ગામના પાટીયા પાસે અકસ્માત સર્જાયો
મૂળ લુણાવાડાના ગોલાના પાલ્લા ગામના રહેવાસી સુરેન્દ્રસિંહ મૂળજીસિંહ સોલંકી પોતાની પત્ની સાથે બે દીકરીઓ અને એક દીકરા સાથે હાલોલની જ્યોતિનગર સોસાયટી ખાતે રહેતા હતા. અને મસવાડની કૃપાલું માધ્યમિક હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. હાલ શાળાના ઇન્ચાર્જ આચાર્ય હતા. આજે સાંજે પાંચ વાગ્યા પછી સ્કૂલનું શૈક્ષણિક કાર્ય પતાવી તેઓ પોતાની એક્ટિવા લઈ ઘરે પરત ફરી રહ્યા હતા.​​​​​​​ ત્યારે બિલિયાપુરા ગામના પાટીયા પાસે તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતી મોટરસાયકલ તેઓની એક્ટિવ સાથે અથડાતા તેઓ સ્કૂટર ઉપરથી ફંગોળાઈ રોડ ઉપર પટકાયા હતા. અકસ્માત બાદ રોડ ઉપર ટોળું ભેગું થઈ જતા 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. પરંતુ સુરેન્દ્રસિંહને માથાનાં અને કાનની નીચેના ભાગે ઇજાઓ થતા ઘટના સ્થળે જ તેઓનું મોત નીપજ્યું હતું.

હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે મૃતદેહને લાવવામાં આવ્યો
​​​​​​​
હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે તેઓના મૃતદેહને લાવવામાં આવ્યો હોવાની જાણ થતાં જ શિક્ષક જગતના તેઓના પરિચિત અને સથી મિત્રો હાલોલ રેફરલ ખાતે દોડી આવ્યા હતા. અકસ્માતના કલાકો પછી પણ હાલોલ પોલીસ ક્યાંય દેખાઈ ન હતી. બનાવ અંગે તેઓના લુણાવાડા ખાતે રહેતા તેઓના ભાઈ અને પરિવારને જાણ કરવામાં આવતા તેઓ પણ હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવતા રેફરલ હોસ્પિટલમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

ફરજની વય નિવૃત્તિમાં માત્ર 10 માસની નોકરી જ બાકી હતી
સુરેન્દ્રસિંહ સોલંકીને બે દીકરીઓ અને એક દીકરો હતો. જે પૈકી બે દીકરીઓને લગ્ન કરાવી સાસરે વળાવી દીધી હતી અને એક પુત્ર હાલ ધોરણ -11માં અભ્યાસ કરી રહ્યો છે. અકસ્માતમાં પિતા ઇજાગ્રસ્ત હોવાની જાણ બાળકોને કરવામાં આવી હતી.​​​​​​​ સુરેન્દ્રસિંહ સોલંકી માસવાડ કૃપાલું હાઈસ્કૂલમાં ફરજ બજાવતા હતા અને ફરજની વય નિવૃત્તિમાં માત્ર 10 માસની નોકરી જ બાકી હતી. ઘરેથી નજીવા અંતરે જ ફરજનું સ્થળ આવેલું હોઈ તેઓ એક્ટિવા ઉપર ફરજના સ્થળે અપડાઉન કરતા હતા. હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે તેઓના મૃતદેહને પીએમ માટે લઈ જવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...