હાલોલ શહેરમાં દિવસે દિવસે કાયદો વ્યવસ્થા કથળી રહી છે. ચોરીની ઘટનાઓ સામાન્ય બની રહેતા બેફામ બનેલા તસ્કરો જે રીતે એક પછી એક મકાનોને નિશાન બનાવી રહ્યાં છે, તેમ જોતા તેઓને હવે પોલીસનો ડર રહ્યો નથી તેવું લાગી રહ્યું છે. શહેરના પોષ વિસ્તાર કંજરી રોડ ઉપર આવેલી મધુવન સોસાયટીના એક બંધ મકાનને થોડા જ સમયમાં બીજી વખત નિશાન બનાવી તસ્કરોએ પોલીસને પડકાર ફેંક્યો છે. જો કે મકાનનો નિયમિત રહેણાંકમાં ઉપયોગ ન થતો હોવાથી રોકડ રકમ ને સોનુ મળી એક લાખ રૂપિયાથી વધુની હાથ સફાઈ થઈ જવા પામી છે.
બારસાગ ફાડી દરવાજો ખોલી તસ્કરો ઘરમાં ઘુસ્યા
હાલોલ શહેરના પોષ વિસ્તાર અને તેમાંય પોષ સોસાયટી એવી મધુવન સોસાયટીના 129 નંબરના મકાનમાં રહેતા હસમુખ સોનીના મકાનમાં ગત રાત્રે તસ્કરો ઘુસ્યા હતા. લોખંડની જાળી ખોલી મકાનના મુખ્ય દરવાજાને લગાવવામાં આવેલા ઇન્ટરલોકને તોડવા કાંસનો ઉપયોગ કરી આખી દીવાલ તસ્કરોએ કોચી નાખી હતી. દીવાલ સાથે સાથે લાકડાની બારસાગમાં ફિટ થતા ઇન્ટરલોકને ખોલવા આખી બારસાગ પણ ફાડી નાખી દરવાજો ખોલીને તસ્કરો ઘરમાં ઘુસ્યા હતા.
એક લાખથી વધુની તસ્કરીને અંજામ આપ્યો
શિયાળાની ઠંડીમાં તસ્કરો દ્વારા કરવામાં આવેલી તોડફોડનો અવાજ કોઈએ સાંભળ્યો ન હતો. બાજુના મકાનમાં પણ તાળું હોવાથી તસ્કરોને ફાવતું મળી ગયું હતું. ત્રણેક માસ અગાઉ પણ આજ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને 30 હજારની રોકડ રકમ તાફડાવી ગયા હતા. જ્યારે ગત રાત્રે ફરી તસ્કરોએ મકાનમાં ઘુસી તિજોરી, કબાટ, બેગ્સ, લોકર વગેરેને રફેદફે કરી 40 હજાર રોકડા અને સોનાની વીંટી માડી એક લાખ રૂપિયાથી વધુની તસ્કરીને અંજામ આપ્યો હતો.
શહેરમાં કાયદો વ્યવસ્થા કથળી રહ્યાની અનુભૂતિ
ત્રણેક માસ અગાઉ થયેલી ચોરીમાં તસ્કરો મકાનમાં બે પથ્થર છોડી ગયા હતા. ગત રાત્રે પણ તસ્કરો મકાનમાં રસોડામાં પાટલા ઉપર બે પથ્થર મૂકી ગયા હોવાથી આ બંને તસ્કરીમાં એકજ ઈસમો સંડોવાયા હોવાનું સામે આવી રહ્યું છે. કંજરી રોડના ભરચક વિસ્તારમાં બંધ મકાનોને નિશાન બનાવવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે તસ્કરોને હાલોલ ટાઉન પોલિસનો ભય નથી રહ્યો તેવું પણ જોવા મળી રહ્યું છે. હાલોલમાં ધોળે દહાડે ચાકુની અણીએ લૂંટ થઈ જવાની સુધીની ઘટનાઓ સામે આવી રહી હોવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા તપાસના નામે નાટકીય અભિયાન જ હાથ ધરવામાં આવતા શહેરમાં કાયદો વ્યવસ્થા કથળી રહ્યાની અનુભૂતિ નગરજનો કરી રહ્યાં છે.
ઘર માલિક કાકાના ઘરે ઊંઘતા રહ્યાં, તસ્કરોએ હાથસાફ કરી નાખ્યો
મધુવન સોસાયટીના 129 નંબરમાં તસ્કરી મામલે મકાન મલિક દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલિસે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. મકાનની બહાર જ ત્રણ મોંઘી મોટરસાયકલ પડી હોવા છતાં તસ્કરોએ મહેનત કરી દરવાજો તોડીને ઘરમાં પ્રવેશી તસ્કરી કરી હતી. એટલે તસ્કરો રોકડ રકમ અને દાગીના મેળવવાના આશયથી આવ્યા હોવાનું સાબિત થાય છે. મકાન મલિક હસમુખ આ મકાનમાં રાત્રે સુવા માટે જ આવતા હોવાની વિગતો સામેના મકાનમાં રહેતા તેમના કાકા પારસ સોનીએ જણાવી હતી. ગત રાત્રે તેઓ કાકાના ઘરે સુઈ ગયા હતા અને તસ્કરોએ હાથસાફ કરી નાખ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.