પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મહાકાળી મંદિરે આજે માતાજીને અન્નકૂટ ધરાવવમાં આવતા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કર્યા હતા. વહેલી સવારથી જ માતાજીના દર્શને ભક્તોનો પ્રવાહ શરૂ થઈ ગયો હતો.
છપ્પન ભોગનો મનોરથ ધરાવવામાં આવ્યો
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢનો યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિકાસ કરવામાં આવ્યા પછી આ આસ્થા, શક્તિ અને ભક્તિનું સ્થળ શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓનું ફરવા માટેનું ધાર્મિક સ્થળ બની ગયું છે. વર્ષો પછી અત્રે મંદિરના નવીનીકરણ બાદ મંદિરના શિખર ઉપર પીએમ મોદીના હસ્તે ધ્વજા ફરકાવવામાં આવતા અહીં આવતા માઈ ભક્તોમાં નોંધનીય વધારો જોવા મળ્યો છે. ત્યારે આજે શ્રી મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા મહાકાળી માતાજીને અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. છપ્પન ભોગનો મનોરથ ધરાવવામાં આવતા આખું મંદિર પરિસર શણગારવામાં આવ્યું હતું.
માઇભક્તોનો પ્રવાહ વહેલી સવારથી જ શરૂ
આજે અન્નકૂટના દર્શન હોવાથી ગુજરાત જ નહીં અન્ય રાજ્યોમાંથી પણ માઇભક્તોનો પ્રવાહ વહેલી સવારથી જ શરૂ થઈ ગયો હતો. સ્થાનિક પોલીસે ટ્રાફિક અડચણ ઉભી ન થાય તે માટે ખાનગી વાહનોને તબક્કાવાર માચી સુધી જવા દેવામાં આવ્યા હતા. તો સ્થાનિક ખાનગી વાહનો દ્વારા માઇભક્તોના પ્રવાહને ઝડપી બનાવવામાં આવ્યો હતો. એસટી ડેપો દ્વારા વધુ બસો માચી સુધી દોડાવવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.