વહીવટી તંત્રની કાર્યક્રમ સ્થળે જ દિવાળી:પંચમહાલમાં કકરોલીઆ ગામે પીએમ મોદીની સભાને લઈ તડામાર તૈયારીઓ શરૂ; બે અલગ અલગ સ્થળે ચાર હેલિપેડ બનાવવામાં આવશે

હાલોલએક મહિનો પહેલા

વિધાનસભાની ચૂંટણીઓ કોઈ પણ સમયે જાહેર થઈ શકે છે. એવા સંજોગોમાં પ્રધાન મંત્રી મોદી સતત ગુજરાતની મુલાકાત લઈ રહ્યાં છે. ત્યારે જાંબુઘોડાના કકરોલીઆ ગામે 1 નવેમ્બરે આવી રહેલા પ્રધાન મંત્રી મોદીના કાર્યક્રમને લઇ સમગ્ર પંચમહાલ જિલ્લાનું વહીવટી તંત્ર કાર્યક્રમના સ્થળે જ દિવાળી મનાવી રહ્યું છે. પીએમ મોદીની જાહેર સભાને લઈ દિવસ રાત કામગીરી કરવામાં આવી રહી છે.

હેલિપેડની કામગીરી
હેલિપેડની કામગીરી

હેલિપેડથી સભાસ્થળ સુધીના ડામર માર્ગો નવા બનાવી દેવામાં આવ્યાં
આગામી 1 નવેમ્બરે હાલોલ વિધાનસભા મત વિસ્તારના જાંબુઘોડા તાલુકાના છેલ્લા ગામ કકરોલીઆ ખાતે આવી રહેલા પ્રધાન મંત્રી મોદીના કાર્યક્રમને લઈ અત્યારે દિવાળી પર્વમાં સમગ્ર જિલ્લાનું વહીવટી તંત્ર કાર્યક્રમ સ્થળે કામે લાગ્યું છે. વિશાળ ડોમ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તો કાર્યક્રમની આજુબાજુનો 40 એકરનો વિસ્તાર ચોખ્ખો અને સમતલ કરવા અનેક જેસીબી અને ક્રેઈનો કામે લગાડવામાં આવ્યા છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા બે અલગ અલગ સ્થળે ચાર હેલિપેડ બનાવવાની કામગીરી કરાઈ રહી છે. તો હેલિપેડથી સભાસ્થળ સુધીના ડામર માર્ગો નવા બનાવી દેવામાં આવ્યાં છે.

વહીવટી તંત્ર ખડેપગે
વહીવટી તંત્ર ખડેપગે

તમામ અધિકારીઓ હાલ કાર્યક્રમ સ્થળે
કકરોલીઆમાં આવેલી ભક્ત ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ ખાતે રાખવામાં આવેલા કાર્યક્રમને લઈ સમગ્ર જિલ્લાનું વહીવટી તંત્ર રાજ્યના વહીવટી તંત્ર સાથે સંકલન કરી સતત મિટિંગોનો દોર ચલાવી રહ્યું છે. ડીએમ, જિલ્લા વિકાસ અધિકારી, નાયબ કલેક્ટરો, જિલ્લા પોલિસ વડા સહિતના તમામ અધિકારીઓ હાલ કાર્યક્રમ સ્થળે જોવા મળી રહ્યાં છે.

ટ્રાન્સફોર્મર્સ ઉભા કરવાની કામગીરી
ટ્રાન્સફોર્મર્સ ઉભા કરવાની કામગીરી

બંને ફીડરને ખંડીવાવ ખાતે ચેન્જઓવરથી કનેક્ટ કરવામાં આવશે
મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા 200KVAના 26 ટ્રાન્સફોર્મર્સ ઉભા કરવાની કામગીરી કરાઈ રહી છે. એ માટે જરૂરી પોલ ઉભા કરી ટ્રાન્સફોર્મર લગાવવામાં આવશે. 11KVAના બે ફીડર પીપીયા અને ખંડીવાવ માંથી કાર્યક્રમ માટે પાવર મેળવવામાં આવશે. બંને ફીડરને ખંડીવાવ ખાતે ચેન્જઓવરથી કનેક્ટ કરવામાં આવશે, જેથી એક ફીડર બંધ થાય તો આપોઆપ બીજા ફીડરનો વીજ પ્રવાહ ચાલુ થઈ જાય. આ માટે જરૂરી લાઈન વ્યવસ્થાની કામગીરી મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા કરવામાં આવી રહી છે.

કામગીરીનું રિપોર્ટિંગ કરતા મંત્રીઓ
કામગીરીનું રિપોર્ટિંગ કરતા મંત્રીઓ

મંત્રીઓ સાથે સચિવો અને અગર સચિવો કાર્યક્રમના નિરીક્ષણમાં
કાર્યક્રમ સ્થળે અનેક નેતાઓ મંત્રીઓ પણ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યાં છે. મંત્રીઓ સાથે સચિવો અને અગર સચિવો પણ સતત કાર્યક્રમનું નિરીક્ષણ કરી રહ્યાં છે અને સભા સ્થળે થઈ રહેલી કામગીરીનું રિપોર્ટિંગ લઈ રહ્યાં છે. રાજ્ય મંત્રી નિમિષા સુથાર સતત ચાર દિવસથી અત્રે સતત મુલાકાત લઈ રહ્યાં છે.

એસટી પાર્કિંગની વ્યવસ્થા માટેની કામગીરી
એસટી પાર્કિંગની વ્યવસ્થા માટેની કામગીરી

તમામ બસો માટે વિશાળ પાર્કિંગની વ્યવસ્થા કરાઈ
સભા સ્થળની નજીક ખંડીવાવ ખાતે આવેલી સરકારી ફાર્મમાં એસટી પાર્કિંગની વ્યવસ્થા માટે પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. પીએમના કાર્યક્રમને લઈ ગુજરાત એસટી વિભાગની 1100 ઉપરાંતની એસટી બસ અહીં શ્રોતાઓને લઈને આવવાની હોવાથી તમામ બસો માટે વિશાળ પાર્કિંગની વ્યવસ્થા કરાઈ રહી છે.

બે પ્રાથમિક શાળાઓનું પીએમ મોદીના હસ્તે ઇ-લોકાર્પણ
જાંબુઘોડા તાલુકાની બે પ્રાથમિક શાળાઓને આદિવાસી વીર શહીદોના નામે નામકરણ કરવામાં આવ્યાં પછી આ શાળાઓમાં બન્ને શહીદોના સ્ટેચ્યુ મુકવામાં આવ્યાં છે અને બંને શાળાઓને શહીદોની લડત અને જીવન ચરિત્રના પેઇન્ટિંગથી રંગ રોગાન કરવામાં આવતા શાળાનું ઇ-લોકાર્પણ પણ અત્રેની સભા સ્થળે થઈ પીએમ મોદીના હસ્તે કરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...