હાલોલ-ગોધરા માર્ગ ઉપર આવેલા તાલુકાના બેઢિયા પાટિયા પાસે આજે બપોરે એક સરકારી એસટી બસ બ્રેકડાઉન થતાં એસટી બસ હાઇવે માર્ગની વચ્ચે જ થોભી જતાં મુસાફરો કાળઝાળ ગરમીમાં મુશ્કેલીમાં મુકાયા હતા. દાહોદ જઈ રહેલી બસની એઇર પાઇપ ફાટી જવાથી બસના પૈડાં ચોંટી જતા કાલોલ અને ગોધરાની વચ્ચે હાઇવે ઉપર ખોટકાઈ હતી.
હાલોલ-ગોધરા માર્ગ ઉપર કાલોલની આગળ બેઢિયા પાસે આજે બપોરે સોનગઢથી પેસેન્જર લઈ દાહોદ જઈ રહેલી સરકારી એસટી બસ રસ્તા વચ્ચે જ ખોટકાઈ હતી. એસટી બસની એઇર પાઇપ તૂટી જતા બસના પૈડાં જામ થઈ જતા અચાનક બસ થોભી ગઈ અને મુસાફરો કાળઝાળ ગરમીમાં મુસીબતમાં મુકાયા હતા. એસટી બસમાં બાળકો, મહિલાઓ સહિત 50 થી વધારે મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. એક તબક્કે એસટી બસ હાલોલ ગોધરા માર્ગ તરફના ટ્રેક ઉપર રોડની વચ્ચો વચ્ચ બ્રેકડાઉન થતાં ગોધરા તરફ જતા વાહન ચાલકોને પણ ભારે અગવડ ઉભી થઇ હતી.
એસટી બસને રોડ વચ્ચેથી હટાવવા માટે નેશનલ હાઇવે ઓથોરિટીની મદદ લેવામાં આવતા ક્રેઇન બોલાવી બસને રોડની બાજુમાં લેવામાં આવી હતી. ત્યારબાદ એસટીના ડ્રાઇવરે ગોધરા એસટી ડેપોના મિકેનિકની મદદ લઇ બસ ચાલુ કરાવવા પ્રયત્ન કર્યા હતા. એસટી બસના પૈડાં જામ થઈ જતા બસને ધક્કો મારીને પણ ખસેડી સકાઈ ન હતી. એટલે કલાક એક બાદ ક્રેઇન મદદે આવતા બસને સાઈડ ઉપર લેવામાં આવી હતી. ત્યારબાદ વધુ એક કલાક સુધી ગોધરા ડેપોની મેકેનિકલ ટિમની મદદ નહીં મળતા મુસાફરો સાંજ સુધી હાઇવે ઉપર અટવાયા છે, જાણવા મળ્યા મુજબ સાંજે 5 વાગ્યે ગોધરા ડેપોની મિકેનિકલ ટિમ બસનું મરામત કામ કરવા પહોંચી છે અને મરામત કામગીરી ચાલી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.