વારાણસીમાં કાશી વિશ્વનાથધામ ખાતે ભવ્ય કોરિડોરનું નિર્માણ થયા બાદ ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પણ આ જ તર્જ પર બની રહેલા વિશાળ કોરિડોરની કામગીરી પૂર્ણતાને આરે છે. આ સાથે જ વર્ષોથી શિખર વિનાના માતાજીના મંદિર પર પ્રથમ વખત શિખર બનશે અને ધજા પણ ચઢશે. મંદિરની ઉપર જ આવેલી દરગાહને શિખરની બાજુમાં સ્થાપિત કરવામાં આવી છે. 21 જૂને વિશ્વ યોગ દિને વડાપ્રધાન મોદી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવવાના છે. એ દિવસે જ મહાકાળી કોરિડોરનું લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવે એવી સંભાવના છે.
શક્તિપીઠ પાવાગઢમાં રાજ્ય અને દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ પ્રતિ વર્ષ દર્શનાર્થે ઊમટતા હોય છે. ચૈત્ર અને આસો નોરતામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે છે. કોરિડોરના ભાગરૂપ માતાજીના મંદિર ઉપરાંત માચી ખાતે આવેલા ચાચર ચોક ખાતે પણ સુવિધાઓમાં વધારો કરવામાં આવી રહ્યો છે. કોરિડોરની કામગીરી માટે ખાસ ધ્રાંગ્રધ્રા અને રાજસ્થાન ઢોલપુરના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ચાચર ચોકથી રોપ-વે સ્ટેશન અને રેવા પથ સુધીના માચી વિસ્તારને ચાર વિભાગમાં વહેંચીને કામગીરી કરવામાં આવી છે.
ચાચર ચોક 29,052 ચો.ફૂટમાં આકાર લઈ રહ્યો છે. ઉપરાંત માચી ખાતે બે આધુનિક પાર્કિંગ સુવિધા ઉભી કરવામાં આવશે. વણઝારા વાસ ખાતે આવેલું વર્તમાન પાર્કિંગ મોટું કરવામાં આવશે. હાલ નવા મંદિરનું કામ પૂર્ણતાને આરે છે. બ્યુટિફિકેશનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મંદિર ટ્રસ્ટના જણાવ્યા પ્રમાણે થોડા દિવસમાં કામગીરી પૂર્ણ થશે. પાવાગઢ પર્વતને હરિયાળો બનાવવા માટે વન વિભાગ દ્વારા 30 હેક્ટરમાં રોપાનું પ્લાન્ટેશન કરવામાં આવી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.