ગળાફાંસો:ગોપીપુરામાં મધુવન આશ્રમ શાળાના શિક્ષકનો ગળાફાંસો

હાલોલ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિવારના સભ્યો લગ્ન પ્રસંગમાં ગયા હતા

હાલોલ તાલુકાના ગોપીપુરાના મધુવન આશ્રમ શાળાના શિક્ષકે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે હાલોલ રૂરલ પોલીસે અકસ્માત મોત અંગેની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઘોઘંબા તાલુકાના રણજીત નગરના રહેવાસી અને હાલમાં હાલોલ તાલુકાના ગોપીપુરા ખાતે આવેલ મધુવન આશ્રમ શાળાના રૂમમાં રહેતા અને મધુવન આશ્રમ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા 50 વર્ષના અરવિંદભાઈ જેસીંગભાઇ પરમારનો પરિવાર બુધવારે પોતાના સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં ગયો હતો.

શિક્ષક ઘરે એકલા હતા ત્યારે રૂમની છતના લાકડાના સરામાં ઓઢણીનો એક છેડો બાંધી બીજા છેડાને પોતાના ગળે ભરાવી ગળેફાંસો ખાઇ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી સાથે ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગેની જાણ આડોશ પાડોશના લોકોને થતા તેઓએ અરવિંદભાઈના પરિવારજનોને આ બાબતે ફોન કરી જાણ કરતા લગ્ન પ્રસંગમાં મહાલવા ગયેલો પરિવાર ગોપીપુરા ખાતે દોડી આવ્યો હતો. અને પોતાના રૂમ ખાતે અરવિંદભાઈને ગળે ફાંસો ખાધેલી હાલતમાં મરણ પામેલા જોઈ પરિવારજનો પર આભ તૂટી પડયું હતું.

અને પરિવારજનો આઘાતમાં સરી પડયા હતા. રોળકકળ મચાવી મુકતા સમગ્ર વાતાવરણમાં ગમગીની પ્રસરી જવા પામી હતી. જેમાં બનાવ અંગેની જાણ થતા હાલોલ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી મૃતક અરવિંદભાઈ જેસીંગભાઇ પરમારના મૃતદેહને હાલોલ રેફરલ ખાતે મોકલી આપી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી પરિવારજનોને સોંપ્યો હતો. અને બનાવ અંગે અરવિંદભાઈના પુત્ર કૃષ્ણકાંત અરવિંદભાઈ પરમારની ફરિયાદના આધારે પોલીસ મથકે અસાધારણ મોત અંગેની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...