હાલોલ શહેરમાં રહેતા લોખંડ ટીપીને ખેતીના ઓજારો બનાવવાનું કારખાનું ચલાવતા મુસ્લિમ સમાજની એક યુવતીએ સમગ્ર હાલોલનું નામ રોશન કર્યું છે. જયપુરી લુહાર પરિવારની યુવતીએ યુરોપમાં આભાસ કરી એમબીબીએસની ડિગ્રી મેળવીને આ સન્માન હાંસલ કર્યું છે. સામાન્ય પરિવારમાં જન્મેલી અને આર્થિક કટોકટી વચ્ચે વિદેશ ભણવા ગયેલી આ દીકરીએ ડૉક્ટરની પદવી મેળવી દીકરાને વધુ પ્રાધાન્ય આપતા લોકોને સણસણતો જવાબ આપ્યો છે.
હાલોલની સામન્ય ઘરની દીકરી યુરોપમાં ભણી MBBSની ડિગ્રી મેળવી
મૂળ રાજસ્થાનના જયપુરના અને અત્યારે હાલોલ આવી વસેલા જયપુરી લુહાર કહેવાતા મુસ્લિમ પરિવારે રાત દિવસ લોખંડ ટીપવાની કાળી મહેનત કરી ખેતી માટેના ઓજાર બનાવવાનું કારખાનું ઊભું કર્યું હતું. આજે આ કારખાનું ચલાવતા અને જાતે લોખંડ ટીપી ઓજારોને આકાર આપવાનું કપરું કામ કરતા ઈનાયત લુહાર પોતાના પરિવારની બે દીકરીઓ મુસ્કાન અને અલીશા તથા એક દીકરા હિદાયતને શિક્ષણ આપવા દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. વાર-તહેવાર જોયા વગર સખત પરિશ્રમ કરી ને આજે તેમની સૌથી મોટી દીકરી મુસ્કાને એમબીબીએસનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યો છે.
પિતાની આંખોમાં ખુશીના આંસુ છલકાઈ ગયા
2017માં મુસ્કાનને યુરોપમાં જ્યોર્જીયા ખાતે આવેલી યુરોપિયન યુનિવર્સિટીમાં એડમિશન મળ્યું હતું. આજે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા ઈનાયતભાઈની આંખોમાં ખુશીના આંસુ છલકાઈ ગયા હતા. મુસ્કાન સાથે બીજી દીકરી અલીશાને પણ તેમણે એમબીબીએસના અભ્યાસ માટે વિદેશ મોકલી છે. આજે બીજી દીકરીએ પણ અભ્યાસના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. રશિયાના કિર્ગીસ્તાન ખાતે જલાલાબાદ યુનિવર્સીટીમાં તે પણ એમબીબીએસનો અભ્યાસ કરી રહી છે. જ્યારે સૌથી નાનો દીકરો હાલ ધોરણ 12ની પરીક્ષા આપી રહ્યો છે.
લોકોના ટોણાં સાંભળીને પણ બંને દીકરીઓને વિદેશ ભણવા મોકલી
મુસ્લિમ લુહાર સમાજ અલ્પ શિક્ષિત સમાજ છે અને તેને કારણે જ આ સમાજની દીકરીઓને ઉચ્ચ આભાસ કરાવવા કોઈ તૈયાર નથી. છતાં ઈનાયત ભાઈએ સમાજના અનેક લોકોના ટોણાં સાંભળીને પણ બંને દીકરીઓને વિદેશ ભણવા મોકલી છે. મુસ્કાને યુરોપમાં ડૉક્ટરનો આભાસ પૂર્ણ કરી મુસ્લિમ લુહાર સમાજમાં ડૉક્ટરનો અભ્યાસ કરનાર બીજી દીકરી હોવાનું બહુમાન પણ મેળવ્યું છે. દીકરીને ડૉક્ટર બનાવવા માટે તેના પિતાએ અંદાજીત 35 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો છે. 15 લાખ રૂપિયાની એજ્યુકેશન લોન લઈ દીકરીને અભ્યાસ માટે વિદેશ મોકલી છે.
ભારત આવી મુસ્કાન મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની પરીક્ષા પાસ કરવા માટે મહેનત કરશે. પરિવાર અને ભાઈ બહેનના ઉચ્ચ અભ્યાસ માટે પ્રેક્ટિસ કરી પોતાના આદર્શ એવા પિતાને આર્થિક સહયોગ કરશે અને સાથે સાથે પોતાના ઉચ્ચ અભ્યાસ ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરશે. હાલ ભાઈ બહેનના અભ્યાસ અને પોતાના અભ્યાસ માટે પિતાએ લીધેલી બેન્ક લોનની ભરપાઈને પ્રાધાન્ય આપી આગળ શું કરવું તે નક્કી કરશે.
ઈનાયતભાઈએ તેમના ત્રણેય બાળકોનો પ્રાથમિક અભ્યાસ તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનો અભ્યાસ હાલોલમાં જ કરાવ્યો હતો. તમામ બાળકોએ હાલોલની વીએમ અંગ્રેજી મિડીયમ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. બે દીકરીઓ વિદેશ ભણવા ગઈ અને એક દીકરો આજે 12 સાયન્સની પરીક્ષા આપી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.