કાલોલ તાલુકાના પ્રગતિશીલ ખેડૂત પરંપરાગત ખેતી છોડી રોકડીયા પાક તરફ વળ્યા છે. રામનાથ ગામના આવા ખેડૂત છેલ્લા થોડા વર્ષોથી શાકભાજી અને ફૂલોની ખેતી કરી સારી એવી આવક મેળવી રહ્યા છે.
બે પ્રકારની જાતના ગલગોટાનું વાવેતર કર્યું
કાલોલ તાલુકાના રામનાથ ગામે રહેતા ખેડૂત હીમાંશુભાઈ પટેલ શાકભાજી અને ફૂલોની ખેતી કરી રહ્યા છે. ચાલુ વર્ષે તેમને એક એકરમાં ગલગોટાનું વાવેતર કર્યું છે. બે પ્રકારની જાતના ગલગોટાનું વાવેતર માર્ચ મહિનાના અંતમાં કર્યું હતું. વાવેતર પછી સાડાત્રણ માસની માવજત અને 50 હજારના ખર્ચ પછી છેલ્લા પંદર દિવસથી ગલગોટાના ફૂલનો ઉતારો મેળવી રહ્યા છે. ગલગોટાની ખેતીમાં ડ્રિપ ઇરીગેશનનો ઉપયોગ કરી પાણી આપવામાં આવે છે, જેથી કરી પાણીનો વ્યર્થ ઘટાડી શકાય છે. મજૂરો મળે તે સમયે ફૂલ તોડવામાં આવે છે. તોડવામાં આવેલા ફૂલ શ્રાવણ મહિનો છે એટલે સ્થાનિક લોકો જરૂરિયાત મુજબ લઈ જાય છે અને બીજા વડોદરા માર્કેટમાં વેચી દેવામાં આવે છે.
સરકાર દ્વારા ગામડે ગામડે કૃષિરથ ફેરવવામાં આવ્યો હતો
2004માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પીએમ નરેન્દ્ર મોદીએ ખેડૂતો માટે કૃષિ મહોત્સવનું આયોજન કર્યું હતું. ખેડૂતોમાં ખેતીનું જ્ઞાન વધે અને જમીનના સોઈલ હેલ્થ કાર્ડ કઢાવી તે મુજબ ખાતર પાણી આપી ખેતી થાય અને વધુમાં વધુ ખેડૂતો બાગાયતી અને રોકડીયા પાકો તરફ વળે એ ઉદેશથી તાલુકાના ગામડે ગામડે કૃષિરથ ફેરવવામાં આવ્યો હતો. જે કેટલાક અંશે સફળ પણ રહ્યો છે.
એક એકરના કુલ ખર્ચ પાછળ તેટલોજ નફો તેઓને મળશે
રામનાથ ગામના હીમાંશુભાઈ કહે છે કે, તેઓને હાલ ગલગોટાના ફૂલના કિલો ગ્રામના માર્કેટમાં 80થી 100રૂપિયા મળે છે. જો આ ભાવ જળવાઈ રહે તો એક એકરમાંથી મળતા ઉતારના તેઓને એક લાખથી વધારે રૂપિયા મળશે. હજી પંદર દિવસથી ફૂલનો ઉતારો શરૂ થયો છે, તે આવતા મહિના સુધી ચાલશે. એક એકરના કુલ ખર્ચ પાછળ તેટલોજ નફો તેઓને મળશે. જેવા ફૂલ નીકળશે એટલે દિવેલાનું વાવેતર તેઓ કરશે. દિવેલામાંથી પણ તેઓને સારી આવક મળતી હોવાનું જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.