વસંતઋતુના આગમનની સાથે જ પ્રકૃતિ ખીલી ઉઠે છે. પ્રકૃતિ પ્રેમીઓને આ સમય પ્રિય હોય છે. લગભગ તમામ વૃક્ષો પર પાન અને પછી ફૂલ આવતા પ્રકૃતિની શોભામાં ચાર ચાંદ લાગી જતા હોય છે. ફાગણ માસ પૂર્વે આવા જ એક ખાખરના વૃક્ષ પર આવતા કેસૂડાના ફૂલ સાથે માત્ર પ્રાકૃતિક નહીં, ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ પણ જોડાયેલું છે. પલાશ તરીકે ઓળખાતા આ ખાખરનું આખે આખું વૃક્ષ આગવું મહત્વ ધરાવે છે. વૃક્ષની છાલ, પાન, ફૂલ, મૂળ અને ફળ તમામ વસ્તુનું વિશેષ મહત્ત્વ છે. ફાગણ પહેલા આ વૃક્ષ ઉપર આવતો કેસૂડો વન વગડાંની અને ગ્રામીણ વિસ્તારના માર્ગોની શોભા વધારતા રસ્તા પર પસાર થતા અનેક લોકો કેસૂડો જોવા અને તેને મેળવવા થોભી જતા હોય છે.
હાલોલ, ઘોઘંબા અને જાંબુઘોડા અભયારણ્યમાં કેસૂડો પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે. કેસૂડાના ફૂલ પાણીમાં ઉકાળી સ્નાન કરવાના આયુર્વેદિક ફાયદાઓ પણ છે. આ વૃક્ષના મૂળ આંખોનું તેજ વધારવામાં ઉપયોગી છે. છાલ તથા તેના પાનના પણ અનેક ઉપયોગ આયુર્વેદમાં દર્શાવવામાં આવ્યા છે, તેમ હાલોલના આયુર્વેદિક ડોક્ટર જણાવી રહ્યા છે. કેસૂડો બે પ્રકારનો હોય છે- એક કેસરી ફૂલ અને બીજા સફેદ પીડાશ પડતા કલરના ફૂલ હોય છે. આપણે ત્યાં કેસરી ફૂલવાળા પલાશ વધુ માત્રામાં જોવા મળે છે.
કેસૂડો કફ પિત્તનાશક પ્રકૃતિ ધરાવતો હોવાથી હોળી આવતા પહેલા બદલાતી ઋતુમાં માંદગી સામે રક્ષણ આપવા ઉપયોગી સાબિત થઈ શકે છે. કેસૂડાના ફૂલ પાણીમાં ઉકાળી સ્નાન કરવાનું મહત્ત્વ હોવાથી ધુળેટીમાં કેસુડાના ફૂલને પાણીમાં પલાળી કલર બનાવી ધૂળેટી રમવામાં આવતી હોય છે. આજે બજારના પાકા અને કેમિકલયુક્ત કલરો આવી જતા કેસૂડાનો ઉપયોગ માત્ર ગ્રામીણ વિસ્તારમાં થઈ રહ્યો છે. કેસૂડો પાણીમાં પલાળીને તે પાણીનું સેવન કરવાથી કિડની સંબંધિત ફરિયાદોમાં રાહત થતી હોવાનું પણ કહેવામાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.