હાલોલ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા આજ રોજ વિશ્વ ક્ષય સપ્તાહ નિમિત્તે જન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. તાલુકા પંચાયત પ્રમુખ સહિત અનેક આગેવાનો, પદાધિકારીઓ અને આરોગ્ય અધિકારીઓ, કર્મચારીની હાજરીમાં ક્ષય રેલી હાલોલના વિવિધ વિસ્તારોમાં ફરી હતી.
24 માર્ચના રોજ વિશ્વભરમાં ઉજવાતા વિશ્વ ક્ષય દિવસની ઉજવણી પંચમહાલના વિવિધ તાલુકાઓના આરોગ્ય કેન્દ્રો દ્વારા પણ કરવામાં આવી રહી છે. ત્યારે આજે હાલોલ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા બેનર અને પોસ્ટર્સ સાથે ક્ષય રોગ અંગે જાણકારી અને તેના ઉપચાર અંગે લોકજાગૃતિ માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા પંચાયત પ્રમુખ, હાલોલ ભાજપ પ્રમુખ સહિત તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. શરદ શર્મા, સા.આ.કેંદ્ર અને રેફરલ હોસ્પિટલ હાલોલના મેડિકલ ઓફિસર, એન ટી ઇ પી સ્ટાફ, તાલુકા હેલ્થ કચેરીનો સ્ટાફ, તેમજ સા.આ.કેંદ્ર અને રેફરલ હોસ્પિટલ હાલોલનો સ્ટાફ, મમતા હેલ્થ અને રીચ એનજીઓમાંથી ડિસ્ટ્રીક્ટ કોમ્યુનિટી કો.ઓડીનેટર રમેશચંદ્ર કનોજિયા તેમજ ટીબી ચેમ્પીઅન અલ્પેશભાઇ ઉપસ્થિત રહી રેલીમાં જોડાયા હતા.
રેલી સવારના 10.30 કલાકે તાલુકા હેલ્થ ઓફીસ, રેફરલ હોસ્પિટલ કમ્પાઉન્ડ હાલોલથી નિકળી નગરપાલીકા, નાની શાકમાર્કેટ, ગાંધીચોક, મંદિર ફળીયુ, સટાક આંબલી, થઇ તાલુકા હેલ્થ કચેરી-હાલોલ ખાતે પરત ફરી હતી અને ટીબી દર્દીઓને પોષણયુક્ત રાશનકીટ વિતરણ કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.