વિકાસનું બાળમરણ:હાલોલના ઇશ્વરીયા ગામે નવું બનાવવામાં આવેલું નાળુ પહેલા વરસાદી પાણીમાં જ ધોવાયું, વિકાસને પુનર્જીવિત કરવાની લોક માગ

હાલોલ19 દિવસ પહેલા
  • પહેલા વરસાદી પાણીમાં જ નાળુ ધોવાઈ જતાં કોતર પાર અવરજવરમાં ગ્રામજનોને ભારે મુશ્કેલી
  • અત્યાર કરતા કોતર ઉપર નાળુ ન હતું એ સ્થિતિ વધુ સારી હોવાનું લોકોએ જણાવ્યું

હાલોલ તાલુકાના વાઘબોડ ગ્રામ પંચાયતના ઇશ્વરીઆ ગામની નવીનગરીમાં સ્થાનિક સરપંચ દ્વારા ચોમાસા પહેલા જ નવું બનાવવામાં આવેલું નાળુ ચોમાસાના પહેલા વરસાદી પાણીમાં જ ધોવાઈ જતા કોતર પાર જવા-આવવામાં ગ્રામજનોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે. અત્યાર કરતા કોતર ઉપર નાળુ ન હતું એ સ્થિતિ વધુ સારી હોવાનું લોકો જણાવી રહ્યા છે.

કોતર ઉપર નાળુ ન હતું એ સ્થિતિ વધુ સારી હતી - સ્થાનિકો
ગ્રામ્ય વિસ્તારોમાં જન્મતા બાળકો જ કુપોષિત નથી હોતા, રાજ્ય સરકારની વિવિધ યોજનાઓમાંથી ગ્રામ્ય વિસ્તારોના ચૂંટાયેલા સરપંચો અને તાલુકા જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા સદસ્યો દ્વારા જન્મ આપવામાં આવતા લકવાગ્રસ્ત વિકાસ પણ કુપોષિત હોય છે અને તે પણ બાળપણમાં જ મૃત્યુ પામતો જોવા મળે છે. ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ્યપ્રજાની સુખાકારી માટે રાજ્ય સરકાર અનેક યોજનાઓ થકી લાખો રૂપિયા ગ્રામપંચાયતોને ફાળવે છે, ત્યારે ગામનો વિકાસ કરવાની જેની જવાબદારી છે અને ગામના લોકો જેને આ જવાબદારી નિભાવવા ગામનો પ્રથમ નાગરિક બનાવે છે, તે સરપંચ જ ગામાના લૂંટારા બની જઈ રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી કરવામાં આવતા વિકાસના કામોમાં ભારે ભ્રષ્ટાચાર કરી ગામનો નહીં પણ પોતાનો વિકાસ કરી લેતા હોવાના આક્ષેપો કરાયા છે.

સરકાર ફરીથી અહીં વિકાસને પુનર્જીવિત કરે એવી લોકોની માગ
ઇશ્વરીયા ગામે સો ટકા નાયક વસ્તી ધરાવતા નવીનગરીમાં 30 જેટલા પરિવારો વસે છે. જેમણે આજ દિન સુધી વિકાસને જોયો જ નથી, કોતરની સામે પારના ખેતરોમાં જવા આવવા અગવડ પડતા અહીં કોતર ઉપર સરપંચે નાળુ બનાવ્યું હતું. ત્યારે નવી નગરીમાં જન્મેલા વિકાસે માત્ર બે ત્રણ મહિનાઓમાં જ દમ તોડી દેતા અહીંના લોકો હજી વિકાસની વાસ્તવિકતા સમજી જ નથી શક્યા. ચોમાસામાં વરસાદના પહેલા પાણીમાં જ નાળુ ધોવાઈ જતાં આ નાળા ઉપરથી પસાર થવું વધુ જોખમી બનતા સરકાર ફરીથી અહીં વિકાસને પુનર્જીવિત કરે એવી લોકોની માગ છે.

અન્ય સમાચારો પણ છે...